મુંબઈ : સ્ટીલ ઉદ્યોગની સતત માગને ધ્યાનમાં રાખી છેવટે સરકારે સ્ટીલની આયાત પર સેફગાર્ડ ડયૂટી લાગુ કરવી કે કામચલાઉ ટેકસ લાગુ કરવો તેની તપાસ શરૂ કરી છે. ઈન્ડિયન સ્ટીલ એસોસિએશનની ફરિયાદને આધારે આ તપાસ શરૂ કરાઈ હોવાનું ડાયરેકટર જનરલ ઓફ ટ્રેડ રેમેડિસ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.
ભારતમાં નોન એલોય તથા એલોય સ્ટીલ ફલેટ પ્રોડકટસની સસ્તી આયાત સામે સ્ટીલ ઉદ્યોગ દ્વારા લાંબા સમયથી સરકાર સમક્ષ રજૂઆત કરાતી હતી અને યોગ્ય પગલાં લેવાની માગણી કરવામાં આવી હતી.
તાજેતરના દિવસોમાં આયાતમાં જોરદાર વધારો થયાનું ધ્યાનમાં આવતા આ તપાસ કરવાનું જરૂરી બની ગયું હોવાનું ડાયરેકટર જનરલ ઓફ ટ્રેડ રેમેડિસના સુત્રોએ જણાવ્યું હતું.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ આઠ મહિનાના સ્ટીલ આયાતના ડેટા જણાવે છે, કે ચીન ખાતેથી ભારતની ફિનિશ્ડ સ્ટીલ આયાત વિક્રમી સ્તરે રહી છે. આયાતમાં વધારો થતાં ઘરઆંગણેની સ્ટીલ મિલોની ચિૅતામાં વધારો થયો છે.
ફિનિશ્ડ સ્ટીલની આયાત વધી આઠ વર્ષની ટોચે રહી છે. વિશ્વના બીજા મોટા ક્રુડ સ્ટીલ ઉત્પાદક ભારત વર્તમાન નાણાં વર્ષના પ્રથમ આઠ મહિનામાં સ્ટીલનો નેટ આયાતકાર બની ગયો છે. આ ગાળામાં ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાત ૨૬.૬૦ ટકા વધી ૬૫ લાખ ટન રહી છે. આ ગાળામાં ચીને ભારત ખાતે ૧૯.૬૦ લાખ ટન ફિનિશ્ડ સ્ટીલ નિકાસ કર્યું છે, જે વાર્ષિક ધોરણે ૨૨.૮૦ ટકા વધુ છે, એમ પ્રાપ્ત ડેટા જણાવે છે.
સ્ટેનલેસ સ્ટીલ, એચઆર કોઈલ, પાઈપ્સ, સળિયા સહિતના સ્ટીલનો ચીન મોટો નિકાસકાર દેશ છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ આઠ મહિનામાં ભારતની કુલ ફિનિશ્ડ સ્ટીલ આયાતમાંથી ૭૯ ટકા આયાત ચીન, જાપાન તથા દક્ષિણ કોરિઆ ખાતેથી થઈ હતી.