જામનગર: જામનગરની સરકારી પોલિટેકનિક કોલેજના છાત્રોના નામે વધુ એક અનોખી સિદ્ધિ ઉમેરાઈ છે. કોલેજના છાત્રોએ નવીનતમ આંગળીના ટેરવે નાચતો રોબોટ બનાવ્યો છે, જેની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. 45 દિવસની આ મહેનત બાદ કામની કદર કરી 5 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ અર્પણ કરાયો છે.
જામનગરની સરકારી પોલિટેકનિક કોલેજના આશુતોષ ભટ્ટે જણાવ્યું કે, તાજેતરમાં અમદાવાદ સાયન્સ સિટીમાં રાષ્ટ્રીય કક્ષાની સૌથી મોટી અને ગૌરવવંતી રોબોટિક્સ સ્પર્ધા ‘ગુજરાત રોબોફેસ્ટ’નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. આ સ્પર્ધામાં ભારત દેશના જુદા જુદા રાજ્યોમાંથી 100 ટીમોએ ભાગ લીધો હતો. સમગ્ર ભારત દેશની આઈઆઈટી, નીટ તથા અન્ય ઉત્કૃષ્ટ ઇજનેરી સંસ્થાઓની કુલ 100 ટીમના છાત્રોએ પોતાની આગવી કૃતિઓ રજૂ કરી હતી. જેમાં જામનગર સરકારી પોલિટેકનિકના ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ વિભાગના છ વિદ્યાર્થીઓની ટીમે ‘એપ્લિકેશન બેઝડ રોબોટ’ વિભાગમાં પોતાનો રોબોટ મૂક્યો હતો. જેની નેશનલ લેવલે નોંધ લેવાય છે.
પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થી જીગર ભેડાએ જણાવ્યું કે, ‘‘અમારા રોબોટને થર્ડ રેન્ક મળ્યો છે. અમે 45 દિવસ સુધી મકરસંક્રાંતિ અને રવિવારની રજાઓનો ઉમંગ માણ્યા વગર સતત સંઘર્ષ કર્યો હતો અને 45 દિવસથી મહેનત બાદ રોબોટ તૈયાર થયો હતો. રોબોટિક આર્મ હેન્ડ જેસ્ટર કંટ્રોલથી બનાવ્યો છે, એટલે કે હાથની આંગળી પર કામ કરતો રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે. જે હાથના અને કાંડાના ઈશારાને લઈને કામ કરે છે.’’
આ પણ વાંચો:
ઘર બેઠા મહિલા બે મહિનામાં કમાઈ છે 75 હજાર, આ શાકભાજી ઉગાડી થઈ ગયા માલામાલ
વધુમાં કહ્યું હતું કે, ‘‘અમને ઇન્ડસ્ટ્રીયલ મુલાકાત દરમિયાન આ પ્રકારનો રોબોટ તૈયાર કરવાનું સૂઝ્યું હતું કારણ કે, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રોબોટ જે હોય તે પીક હોય છે. જ્યારે મુવિંગ બેઝ રોબોટની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ પ્રકારનો રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે, જે 1.5 km સુધીની રેન્જ ધરાવે છે. આ રોબોટ વેરહાઉસમાં ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અને ડિફેન્સમાં જ્યાં માનવ માટે જવું સેન્સિટીવ હોય ત્યાં પહોંચી વ્યવસ્થિત કામ કરી શકે છે. આ રોબોટને હાલ પાટણ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો છે અને રોબોટની સિદ્ધિ બદલ અમને પાંચ લાખ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્યું છે.’’
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર