જામનગર: શિયાળાને આરોગ્યની દૃષ્ટિએ સૌથી સારી ઋતુ માનવામાં આવે છે અને આ ઋતુ દરમિયાન જે પણ ખોરાકનું સેવન કરવામાં આવે છે તેનું ખૂબ મહત્વ હોય છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે શિયાળાની ઋતુ દરમિયાન ખાધેલા ખોરાકથી આખા વર્ષ દરમિયાન શરીરમાં તાકાત રહે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ઋતુમાં ખાસ ચ્યવનપ્રાશનું સેવન પણ કરવામાં આવે છે. જે કેવું અને કેટલી માત્રામાં સેવન કરવું જોઈએ? આવો જાણીએ નિષ્ણાત પાસેથી.
જામનગરમાં આવેલ કેન્દ્રીય આયુર્વેદ સંસ્થાન ITRA ના મૌલિક સિદ્ધાંત વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડો. શુભાંગી કાંબળે જણાવ્યું કે, “ચ્યવનપ્રાશ એ એક ઔષધિ છે, જેની બનાવટમાં સૌથી મહત્વનું ઘટક આમળા છે અને શિયાળામાં આમળા જોઈએ તેટલા પ્રમાણમાં મળતા હોય છે. તેની સાથે અષ્ટવર્ગ, દશમૂલ, ચાતુર્જાત, આ ઉપરાંતના ઘરના મસાલા એમ અશ્વગંધા, શતાવરી, આમળા, વાંસવેલ, એલચી, લવિંગ, તજ, ઘી, મધ વગેરે જેવા પદાર્થો મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે તેને ચ્યવનપ્રાશ કહેવામાં આવે છે.”
તેના સેવન અંગે ડો. શુભાંગી કાંબળેએ જણાવ્યું કે, “ચ્યવનપ્રાશ દરેક સ્વસ્થ વ્યક્તિ સેવન કરી શકે છે. માત્ર શિયાળામાં જ નહીં પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન બ્રહ્મમુહૂર્તમાં તેનું સેવન કરવાનું હોય છે. બ્રહ્મમુહૂર્તમાં સેવન માટે ખૂબ જરૂરી છે અથવા તો પેટમાં ભૂખ હોય ત્યારે દૂધ સાથે 12 ગ્રામથી 28 ગ્રામ સુધીની માત્રામાં સેવન કરવું જોઈએ અને અમુક મર્યાદાને ધ્યાનમાં લઈને બાળકોને પણ આપી શકાય છે. જે પાચનતંત્રની બીમારી, શ્વસનતંત્રની બીમારીમાં ઉપયોગી છે.”
આ પણ વાંચો:
ચણાનું ખેતર થઈ જશે ખાલી, આ રોગનું નિયંત્રણ ન કર્યું તો રાતા પાણીએ રોવું પડશે
બજારમાં મળતા ચ્યવનપ્રાશ ખરીદતા પહેલા શું કાળજી રાખવી? તેના જવાબમાં જણાવ્યું કે, “રીફાઈન્ડ સુગર કે પ્રિઝર્વેટિવ સુગરનો ઉપયોગ થયો હોય તેવા ચ્યવનપ્રાશ શરીરની પ્રકૃતિ બગાડી શકે છે. આથી ખાટો, મીઠો, કડવો, કસેલો દરેક સ્વાદ હોય તેવા શાસ્ત્રોક્ત વિધિ મુજબ તૈયાર થયેલ ખરીદવો જોઈએ. જેમાં મુખ્ય ઘટક આમળામાંથી વિટામિન સી મળે છે. વિટામિન ઈ, બી, બી2 વગેરે મળી રહે છે.” ચ્યવનપ્રાશ આમ તો લગભગ 5000 વર્ષથી ઉપયોગમાં આવતું આવ્યું છે. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા આયુર્વેદ નિષ્ણાત પાસેથી પ્રકૃતિ જાણવી જોઈએ. સાથે જ તબીબની સલાહ અનુસાર જ તેનું સેવન કરવું જોઈએ તો યોગ્ય માત્રામાં ફાયદાકારક નીવડી શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર