એકાએક નાટકીય રીતે પોલીસે પકડીને જેલ હવાલે કરતા આશ્ચર્ય
પોણા બે વર્ષથી ફરાર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ક્યાં છૂપાયા હતા, કોણે આશરો આપ્યો? વગેરે સવાલોનાં જવાબ અધ્ધરતાલ, પોલીસ મૌન
ચોટીલા : ચોટીલા હાઇવે ઉપર પોણા બે વર્ષ પહેલા ગેસ્ટ હાઉસના રૃમમાં
કુટણખાનું પકડાયું હતું. જે ગુનામાં ભાજપના આગેવાન એવા પૂર્વ તાલુકા પંચાયત
પ્રમુખની આરોપી તરીકેની સંડોવણી બહાર આવી હતી. ઘણા લાંબા સમય બાદ પોલીસને મળી આવતા
જેલ હવાલે થતાં કડકડતી ઠંડીમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
મળતી માહિતી મુજબ ૨૧ મે-૨૦૨૩ના ચોટીલા નેશનલ હાઇવે ઉપર
એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોર્ડ સાથે મહિલા પોલીસની ટીમે ખાનગી હેસ્ટ હાઉસના
રૃમમાં ચાલતા કૂટણખાના ઉપર દરોડો પાડી સંચાલકો, દલાલો મળી પાંચ શખ્સો તેમજ સુરત, વાપી, કોલકતાની
રૃપલલનાઓ સાથે બાઇક, કાર, રોકડ મળી ચાર
લાખથી વધુનો મુદામાલ પકડી પાડયા હતા. જેમાં ચોટીલા પોલીસમાં પકડાયેલ પાંચ શખ્સો
સાથે પૂર્વ તા.પં. પ્રમુખ જીવણ મકવાણા સામે ગુનો દાખલ થયો હતો.
આ ગુનાની ચાર્જ સીટ બાદ પકડાયેલા આરોપીઓ જામીન મુક્ત પણ થઇ
ગયેલા છે ત્યારે ચોટીલા વિસ્તારના ભાજપ આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ
જીવણ નાગજીભાઇ મકવાણા પોણા બે વર્ષ સુધી પોલીસ પકડથી બહાર હતા. ગત શનિવારના રોજ
ગુપચુપ પોલીસે તેમને પકડી પાડી રવિવારના કોર્ટમાં રજુ કરતા નીચલી કોર્ટમાં જામીનની
સત્તા ન હોય જેલ હવાલે થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
સતત ૫૭૩ દિવસ સુધી પોલીસ પકડથી બહાર કેમ રહ્યા? કોના આશરે હતા? સીડીઆર લોકેશનના આધારે
તપાસ કરાયેલ ખરી? તેમજ ખાનગી
રાહે રજુ થયા કે પકડયા અને કોર્ટમાં રજુ કરાયા આયોજનબધ ગોપનીયતા પાછળ કોઇ રાજકીય આકાનું
દબાણ કે અન્ય કંઇ? જેવા અનેક
સવાલો પંથકના રાજકીય વર્તુળોમાં ઉઠતા કડકડતી ઠંડીમાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી
ગયેલ છે.