- કોંગ્રેસ ધારાસભ્ય ભાવેશ કટારાને ભાજપમાં લવાશે
- કોંગી MLAના ભાઈ ખૂન કેસમાં ફસાયા હોવાથી ગોઠવણની ચર્ચા
- ST ક્ષેત્રમાં કોંગ્રેસને તોડવા ભાજપની શામ-દામ-દંડ-ભેદની નીતિ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ ભાજપે આદિવાસી વોટબેંક મજબૂત કરવા માટે કમર કસી છે, તાજેતરમાં જ ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે કોંગ્રેસ છોડી કેસરિયો ધારણ કર્યો હતો, ભાજપે હવે ઝાલોદના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાને કેસરિયો ખેસ પહેરાવવા પ્રયાસો શરૂ કર્યા છે, જેના માટે શામ-દામ-દંડ ભેદની નીતિ અપનાવાઈ હોવાની રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચર્ચા છે. આગામી દિવસોમાં ભાવેશ કટારા ભાજપમાં જોડાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
સૂત્રો કહે છે કે, દાહોદ જિલ્લાની એસટી અનામત એવી ઝાલોદ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારા કોંગ્રેસના કાર્યક્રમોમાં ગેરહાજર રહે છે, છેલ્લે દાહોદમાં કોંગ્રેસનો કાર્યક્રમ હતો તેમાં પણ ગેરહાજરી હતી, આ ધારાસભ્યના ભાઈ એક ખૂન કેસમાં સંડોવાયેલા છે, આ ખૂન કેસમાં ગોઠવણ પાડવાની સાથે જ ધારાસભ્ય કટારાને કેસરિયો ખેસ પહેરાવવાની ગતિવિધિ તેજ બની હોવાની જોરશોરથી ચર્ચા છે.
સૂત્રો કહે છે કે, પોલીસે પણ આ ધારાસભ્ય ફરતે છેલ્લા કેટલાક સમયથી દબાણ વધાર્યું છે. અગાઉ ધારાસભ્યનો આ પરિવાર નિવેદન આપી ચૂક્યું છે કે, મર્ડર કેસમાં ખોટી રીતે ફસાવાયા છે. બીજી તરફ કોંગ્રેસના સૂત્રોનો દાવો છે કે, દાહોદમાં રાહુલ ગાંધીની જાહેરસભાને જોરદાર પ્રતિસાદ મળ્યો છે, જેના કારણે ભાજપ સત્તાનો દુરુપયોગ કરી, કાવા-દાવા કરીને કોંગ્રેસને તોડવાના પ્રયત્નો કરે છે. ધારાસભ્યને ઘણાં સમયથી પોલીસ પરેશાન કરી રહી છે.