- હજારો ખેડૂતો ડાંગરનો પાક પકવે છે, પરંતુ જાગૃતિના અભાવે ઉદાસીનતા
- ખાનગી વેપારીઓ કરતા સરકાર વધુ ભાવ ચૂકવે છે છતાં ખેડૂતો લાભ લેતા નથી
- ખેડૂતોને ટેકાના ભાવ અને રજિસ્ટ્રેશનની ખબર જ નથી
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા હાલમાં નિગમના ગોડાઉનનો ઉપર ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી રહી છે, ત્યારે આ માટે 31 ઓક્ટોબર, 2022 સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હતું જેમાં ખેડૂતોએ 7-12 અને 8-અ ની નકલ તેમજ આધારકાર્ડ, પાસબુક, ડાંગરની વાવણી અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો રજૂ કરવાનો હોય છે, પરંતુ ચીખલી તાલુકામાં હજારો ખેડૂતો ડાંગરની ખેતી કરતા આવ્યા છે ત્યારે ટેકાના ભાવે ડાંગર વેચવા માટે ભારે ઉદાસીનતા દાખલ નિયત સમય મર્યાદામાં ચીખલી તાલુકામાં ફક્ત 7 જેટલા ખેડૂતોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સામાન્ય રીતે ચોમાસા બાદ ચીખલી તાલુકામાં ડાંગરનો વેપાર મોટે પાયે ચાલે છે અને સંખ્યાબંધ ડાંગરના વેપારીઓ વેપાર સાથે સંકળાયેલા છે અને આવા ખેડૂતો દ્વારા જયા, ગુજરી, મસુરી, ગુજરાત-3 સહિતની ડાંગરની જાતિનો પ્રતિ 20 કિલો એટલે કે 1 મણનો સરેરાશ ભાવ વેપારીઓ 350 રૂપિયાની આસપાસ ચૂકવાય છે. બીજી તરફ સરકાર દ્વારા લઘુતમ ટેકાનો ભાવ જે નક્કી કરાયો છે તેમાં કોમન ડાંગર માટે પ્રતિ 20 કિલો 460 રૂપિયા જ્યારે ગ્રેડ-1 ડાંગરનો 412 રૂપિયા જેટલો ભાવ ચૂકવાય રહ્યો છે ત્યારે ખાનગી વેપારીઓની સરખામણીમાં સરકારના નાગરિક પુરવઠા નિગમ દ્વારા વધુ ભાવ ચૂકવવામાં આવી રહ્યો છે ટેકાના ભાવે ડાંગરના વેચાણમાં ખેડૂતોને વધુ ભાવ મળતા હોવા છતાં તે માટે ખેડૂતોની ઉદાસીનતાના કારણે કે પૂરતી જાણકારી અને જાગૃતિનો અભાવ કે પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન સહિતની પ્રક્રિયા આપતી જણાતી હોય કે અન્ય કોઈક કારણોસર ચીખલી તાલુકામાં ડાંગરનું સારું એવું ઉત્પાદન થતું હોવા છતાં માંડ આંગળીના ટેરવે ગણાય એટલા 7 જેટલા જ ખેડૂતોએ સરકારની યોજનાનો લાભ લઈ રહ્યા છે.
ખેડૂતોને ટેકાના ભાવ અને રજિસ્ટ્રેશનની ખબર જ નથી
કુકેરીના ખેડૂત રાજુભાઈ પરમારના જણાવ્યા અનુસાર મેં જ્યાં ડાંગરની વાવણી કરી હતી અને જેનું વેચાણ ખાનગી વેપારીને કરતા વેપારી દ્વારા 1 મણનો ભાવ 330 જેટલો ચૂકવવામાં આવ્યો છે. ટેકાના ભાવે ડાંગર ખરીદીની બાબતનો કોઈ ખ્યાલ નથી અને કેવી રીતે રજિસ્ટ્રેશન કરવાનું એ ખબર નથી.