માળીયા પંથકના પિતા-પુત્રે ગાયો ચરાવવા રાખી તેની કતલ કરી નાંખી હોવાની ફરિયાદ મોરબી જિલ્લામાં નોંધાઈ હતી. ત્યારે આ આરોપીઓએ ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામના માલધારીઓની પણ 50 ગાયો પડાવી લીધાની ફરિયાદ માળીયા-મીયાણામાં 0 નંબરથી નોંધાઈને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે આવતા ચકચાર મચી છે.
મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ચીખલી ગામના પિતા-પુત્ર મુસ્તાક અમીનભાઈ લધાણી અને અમીન કરીમભાઈ લધાણી સામે માલધારીઓની ગાયો ચરાવવા લઈ જઈ તેની કતલ કરી નાંખી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં મોરબી ઉપરાંત સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં પણ આ રીતે માલધારીઓની ગાયો પડાવી લીધા હોવાની આશંકા સેવાઈ રહી હતી. ત્યારે માળીયામાં 0 નંબરથી ફરિયાદ દાખલ થઈને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે આવી છે. આ ફરિયાદમાંથી મળતી માહીતી મુજબ પીપળા ગામે રહેતા 42 વર્ષીય ગોપાલભાઈ સીધાભાઈ ગોલતર પશુપાલન કરે છે. પંથકમાં ઘાસચારાની અછત હોય તેઓ પાકડી ગાયો ચરાવવા આપે છે. વર્ષ 2023માં તેઓ માળીયા તાલુકાના ચીખલી ગામના પિતા-પુત્ર મુસ્તાક અને અમીનભાઈના સંપર્કમાં આવ્યા હતા. જેમાં ગોપાલભાઈ ગોલતર અને કુટુંબીભાઈ મફાભાઈ વેલાભાઈ ગોલતરની 50 ગાયો તેઓને આપી હતી. જેમાં ગાય ચરાવવાના મહીને રૂપીયા 300 નક્કી કરાયા હતા. દોઢ-બે માસ પહેલા તેઓએ જઈ જોતા ગાયો નજરે પડતા બન્નેએ વીડીમાં ચરવા ગઈ હોવાનું જણાવ્યુ હતુ. ગત તા. 7-1-25ના રોજ તેઓને આ બન્ને પિતા-પુત્રે અન્ય લોકોની પણ ગાયો લઈ કતલ કરી નાંખી હોવાની જાણ થઈ હતી. આથી પિતા-પુત્ર સામે રૂપીયા 2.50 લાખની 50 ગાયો લઈ જઈ પરત ન આપ્યાની ફરિયાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે 0 નંબરથી નોંધાઈ છે. વધુ તપાસ પીએસઆઈ ડી.આર.મોડીયા ચલાવી રહ્યા છે.