- ગોધરાના બજારોમાં માટીના દીવડા ખરીદવા માટે ગ્રાહકોનો અભાવ
- દીવડા બનાવતા અને રંગકામ કરતા પરિવારો બેરોજગાર બન્યા
- સ્થાનિક વેપારીઓને વાર્ષિક અંદાજિત રૂ 3 થી 4 લાખ જેટલું નુકશાન વેઠવાનો વારો
દિવાળી પ્રવેમાં ઉજાશ પાથરતા માટી ના કોડીયા હવે વિસરાઈ રહ્યા છે અને જેનું સ્થાન ચાઇનીઝ દિવડા લઈ રહ્યા છે. ઘી કે તેલથી પ્રગટાવવામાં આવતાં રૂ એટલે કપાસમાંથી બનતી દીવેટ વાળા દિવડાના સ્થાને હવે મીન કે કેમિકલ વાળા દિવડા સસ્તા ભાવે મળતા હોવાથી ખરીદ કારોની પ્રથમ પસંદગી બની રહ્યા છે. જેની સાથે વર્ષોની પરંપરા વિસરાઈ રહી છે અને સાથે જ પ્રજાપતિ સમાજના વ્યવસાય ને પણ હાલ ખૂબ જ અસર પહોંચી રહી છે અને આર્થિક ભારણ સહન કરવું પડી રહ્યું છે. જેથી જાગૃત નાગરિકો પણ પરંપરાગત માટી ના કોડીયાનો ઉપયોગ કરે એવી અપીલ કરી રહ્યા છે. દિવાળી પર્વના આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હજી પણ ઘરાકી નહીં જોવા મળતાં વેપારીઓ ચિંતિત બન્યા છે.
સનાતન સંસ્કૃતિમાં દીપાવલી એટલે દિવાળીને ઉજાસનું પર્વ માનવામાં આવે છે. આસો માસની એકાદશીના દિવસથી દિવાળી પર્વની શરૂઆત થતી હોય છે. કહેવાય છે કે ભગવાન શ્રીરામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને દિવાળીના દિવસો દરમ્યાન આયોધ્યા પરત ર્ફ્યા હતા. ત્યારે સમગ્ર આયોધ્યાવાસીઓ દ્વારા દિવડા પ્રગટાવીને આયોધ્યા નગરીને ઝગમગતી બનાવી દીધી હતી. જે આદિકાળથી ચાલી આવતી પરંપરા નાનામોટા ફેરફરો સાથે યથાવત તો રહી છે. પરંતુ નાનામોટા ફેરફરોએ માટીના દીવડાની જગ્યાએ આધુનિક દીવડાઓ સ્થાન લીધું છે. હાલમાં માટીના દીવડાની જગ્યાએ મીણ સાથેના દિવડા કે પાવર ધરાવતા સેન્સરવાળા ચાઇનીઝ દીવડાઓએ લીધું છે. લોકો પણ આધુનિકતાની આંધળી દોટ મૂકીને ચાઇનીઝ દીવડાની ખરીદી તરફ્ વળ્યા છે. જેની સીધી જ અસર માટીના દીવડાના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રજાપતિ સમાજ પર થઈ છે. દિવાળી પર્વને આડે હવે માત્ર ગણતરીના દિવસો બચ્યા છે. તેમ છતાં ગોધરા શહેરના બજારોમાં પરંપરાગત માટીના દિવડા ખરીદવા માટે ગ્રાહકોનો અભાવ જોવા મળી રહ્યા છે, સ્થાનિક બજારોમાં દીવડાના વેપારીઓને ત્યાં હાલમાં પરંપરાગત દીવડાનો ખડકલો જોવા મળી રહ્યો છે. ગોધરા શહેરના પ્રજાપતિ સમાજ દ્વારા હાલ મોરબીથી લાલ માટીના દીવડાની ખરીદી કરવામાં આવે છે. જે સામાન્ય માટીના દિવડા કરતા મોંઘા અને આકર્ષક હોય છે. ચાઇનીઝ દિવડાઓને કારણે લાલ માટીના દિવડાની ખરીદીમાં પણ લોકો નીરસતા બતાવી રહ્યા છે. જેને કારણે દિવડા પર રંગકામ કરતા વ્યવસાયમાં પણ મંદી જોવા મળી રહી છે. રંગકામ કરતા કારીગરો પણ હાલ બેકારીના ભરડામાં સપડાયા છે. હાલ પરંપરાગત માટીનો વ્યવસાય કરતા સ્થાનિક વેપારીઓને વાર્ષિક અંદાજિત રૂ 3 થી 4 લાખ જેટલું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે પ્રજાપતિ સમાજ સહિત જાગૃત નાગરિકો દ્વારા ચાઇનીઝ દીવડાઓ ને સ્થાને લોકો પરંપરાગત દીવડાની ખરીદી કરીને દિવાળીના પર્વને જીવંત રાખે તે માટે અપીલ કરી રહ્યા છે.