શંકાસ્પદ પાણીજન્ય રોગચાળો કમળાનો હોવાનું ખુલ્યું
કુલ દર્દીઓની સંખ્યા ૧૯, ત્રણ દાખલઃઅસરગ્રસ્ત વિસ્તારમાં ઓઆરએસ, શેરડી-ચણાનું
વિતરણ
ગાંધીનગર : ચંદ્રાલામાં છેલ્લા બે દિવસથી પાણીજન્ય કમળાના કેસ
પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે આજે આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં
વધુ પાંચ દર્દીઓ મળી આવ્યા છે. આ સાથે કુલ ૧૯ દર્દીઓ હાલની સ્થિતિએ નોંધાયા છે. જે
પૈકી ત્રણ દર્દીને દાખલ કરીને સારવાર આપવાની ફરજ પડી રહી છે તો પ્રાથમિક દ્રષ્ટીએ
રબ્બરની ટોટી વડે પાણી સપ્લાય કરવાને કારણે આ પાણીજન્ય રોગચાળો ફેલાયો હોવાનું
સામે આવે છે તેથી ટોટીનો ઉપયોગ નહીં કરવા ગ્રામજનોને તાકિદ પણ કરાઇ છે.
ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ખાતે છેલ્લા બે દિવસથી પાણીજન્ય
રોગચાળાના બાળદર્દીઓ પ્રકાશમાં આવતા હતા જેના પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.
ગામમાં ઘણી જગ્યાએ પાણીની લાઇન લીકેજ હોવા ઉપરાંત કેટલીક જગ્યાએ રબ્બરની ટોટી વડે
પાણી સપ્લાય કરાતો હોવાનું ધ્યાને આવ્યું હતું જેના પગલે તાત્કાલિક આ લીકેજ દૂર
કરવા ઉપરાંત ટોટી વડે પાણી નહીં લેંખવા પણ ગ્રામજનોને સરપંચ તથા તલાટી મારફતે
સુચના આપવામાં આવી છે. તો બીજીબાજુ આરોગ્ય તંત્ર દ્વારા આજે કરવામાં આવેલા સર્વે
દરમ્યાન વધુ દર્દીઓ મળી આવ્યા છે. ગઇકાલ સુધી કમળાના ૧૪ દર્દીઓ આરોગ્યના ચોપડે
નોંધાયા હતા ત્યારે આજે સર્વે દરમ્યાન વધુ પાંચ કેસ સામે આવ્યા છે. આમ, ચંદ્રાલામાં
રાવલવાસ, સદરીયોવાસ
તથા વચલોવાસ એમ ત્રણેય વાસમાં મળીને કુલ ૧૯ કેસ નોંધાયા છે.
આરોગ્યની ટીમો દ્વારા આજે આ પ્રભાવિત વિસ્તારના ૩૮૩ ઘરોમાં
તપાસ કરીને કુલ ૧,૮૫૩ જેટલી
વસ્તીને આવરી લેતો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૯૦થી વધુ પેકેટ ઓઆરએસના વિતરણ
કરવામાં આવ્યા હતા. તો ગામમાં શેરડી,
ગોળ તથા ચણાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.
રબ્બરની પાઇપથી પાણી સપ્લાય બંધ કરવા અને લીકેજ દૂર કરવા
તાકિદ
ચંદ્રાલામાં પાણીજન્ય કમળાનો રોગચાળો ફાટી નિકળ્યો છે જેના
પગલે આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. આરોગ્ય તંત્રના આંતરિક સુત્રોમાંથી મળતી
માહિતી પ્રમાણે, ગામમાં
ઘણી જગ્યાએ પાણી ઘર સુધી લાવવા માટે રબ્બરની ટોટી-પાઇપનો ઉપયોગ કરવામાં આવે છે અને
તેમાં પણ લીકેજ મળી આવ્યું છે. એટલુ જ નહીં,
આ પાઇપો હોજની નીચે હોય છે જેથી પાણી દૂષિત થવાની શક્યતાઓ વધી જાય છે. આવી
સ્થિતિમાં આરોગ્ય તંત્ર દ્વારા પંચાયતને આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે. જેથી
ગ્રામપંચાયતે ઘરે ઘરે જઇને રબ્બરની પાઇપથી પાણી નહીં સપ્લાય કરવા માટે તાકિદ
કરવામાં આવી છે. સાથે સાથે ચારેક જગ્યાએ લાઇનમાં લીકેજ પણ મળી આવ્યું છે જે
તાત્કાલિક રીપેર કરવામાં આવ્યું છે.
રોગચાળાને કાબુમાં લેવા માટે અધિકારીઓ ચંદ્રાલામાં દોડયા
જિલ્લા કલેકટર મેહુલ દવેની સૂચના તથા જિલ્લા વિકાસ
અધિકારીશ્રી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામે પ્રાંત અધિકારી, મામલતદાર,તાલુકા
વિકાસ અધિકારી,તાલુકા
હેલ્થ ઓફિસર દ્વારા ગામના સરપંચ-તલાટી તથા આગેવાનો સાથે ગામમાં આવેલા કમળાના કેસો
સંદર્ભે ગ્રામ પંચાયતમાં સમીક્ષા બેઠક રાખવામાં આવી, જેમાં પંચાયતને ક્લોરીનેશન તથા સ્વચ્છતા સંબંધિત સૂચના
આપવામાં આવી હતી. નાગરિકોમાં પર્સનલ હાઈજીન સંદર્ભે જાગૃતિ લાવવા માટે પણ સૂચના
આપવામાં આવી હતી. આ ઉપરાંત કમળાગ્રસ્ત દર્દીઓને ચણા-ગોળ અને શેરડીનો રસ પંચાયત
દ્વારા પહોંચાડવામાં આવે તે બાબતે જરૃરી આયોજન માટે પણ સુચના આપવામાં આવી છે.