મોરબી જિલ્લામાં માર્ગ અક્માતના ત્રણ બનાવમાં ચારનો લેવાયો ભોગ
મોરબી-વાંકાનેર હાઈવે પર ટ્રકની ઠોકરે યુવાનનું મોતઃ મોરબીના સિરામિક સિટી નજીક રોડ ક્રોસ કરતી મહિલાનું કારની ઠોકરે મૃત્યુ
રાજકોટ : મોરબીના ઘૂંટુ ગામ નજીક ડબલ સવારી બાઈકને ટ્રક ડમ્પર ચાલકે ઠોકર મારતા બાઈક સવાર બંને વ્યક્તિ પડી જતા બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું.જયારે પાછળ બેસેલ વ્યક્તિનું સારવારમાં મોત થયું હતું.મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતા યુવાનને ટ્રક ચાલકે ઠોકર મારી ટાયરનો જોટો ફેરવી મોત થયું હતું.વાંકાનેર મોરબી હાઈવે પર સાસુ અને વહુ રીક્ષામાં બેસવા માટે રોડ ક્રોસકરતા હતા ત્યારે અજાણી કારના ચાલકે વહુને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું.
ઉંચી માંડલ ગામથી ઘૂંટુ ગામ તરફ અમૃતભાઈ વાઘેલા અને દિનેશભાઈ કરશનભાઈ જાદવ ડબલ સવારી બાઈક લઈને જતા હતા. ત્યારે પૂરઝડપે આવેલા ડમ્પર બાઈકને હડફેટે લઈને અકસ્માત સર્જાયો હતો. તેમાં અમૃતભાઈ વાઘેલાનું સ્થળ પર મોત થયું હતું. જયારે પાછળ બેસેલ દિનેશભાઈ કરશનભાઈ જાદવને ગેભીર ઈજા પહોંચી હોઇ જેનું સારવારમાં મોત થયું હતું.અકસ્માત બાદ સ્થળ પર ડમ્પર મૂકી ચાલક નાસી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ નીચી માંડલ નજીક ફેકટરીમાં રહીને કામ કરતા શિવરામસિંઘ દેવીસિંઘ રાજપૂતે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના ભાઈ જુગેન્દ્રસિંઘ અને કૌટુંબિક ભાઈ રવિસિંઘ બંને ઘરવખરીનો સામાન લેવા મોરબી-વાંકાનેર હાઈવે પર આવેલ આદિત્ય હોટેલ સામેની બાજુથી જતા હતા.ત્યારે રોડ ક્રોસ કરતી વેળાએ ટ્રક ચાલકે ફરિયાદીના ભાઈ જુગેન્દ્રસિંઘને પાછળથી ઠોકર મારી હડફેટે લીધા હતા.ટાયરનો જોટો ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા જુગેન્દ્રસિંઘનું મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક લઈને ચાલક નાસી ગયો હતો.
મોરબી તાલુકાના લાલપર ગામના રહેવાસી શારદાબેન રાઘવજીભાઈ અઘારા અને તેમના પુત્રવધુ ઉર્વીશાબેન જયેશભાઈ અઘારા બંને રીક્ષામાં બેસવા માટે સિરામિક સિટીના ગેટ સામે રોડ ક્રોસ કરીને જતા હતા. ત્યારે અજાણ્યા કાર ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી ઉર્વીશા બેનને ઠોકર મારતા રોડ પર પડી જતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું. જયારે અકસ્માત બાદ કાર લઈને કાર ચાલક નાસી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.