ક્રિકેટર રાજ બાવાજીના ભેદી મૃત્યુનો ભેદ ચાર વર્ષે ખુલ્યો
પતિ-પત્ની વચ્ચેના ઝઘડાને શાંત કરવા વિધિ કરી અને વિધિ દરમિયાન પાઉડર પીવડાવી હત્યા કરી નાખી
ગાંધીધામ: અમદાવાદના વઢવાણના મસાણી મેલડી માતાજીના કહેવાતા ભુવાએ પોતાના પરિવારના સભ્યો સહિત ૧૩ લોકોના જીવ લઈ લીધા હોવાનો ચકચારી બનાવ સામે આવતા સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી ગયો છે. હત્યાના સિલસિલામાં પતિ-પત્નીના ઝઘડામાં શાંતિ મળે તે માટે વિધિ કરાવવા મથતા અંજારના યુવાનની પણ હત્યા કરી દેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે. અંજારના રાજ બાવાજી તરીકે ઓળખાતા ક્રિકેટર નરેશ ગોસ્વામીનું મૃત્યુ ચાર વર્ષ અગાઉ હાર્ટએટેકથી થયું હતું. પરંતુ, અમદાવાદ પોલીસે પકડેલા તાંત્રિક નવલસિંહે રાજ બાવાજીને તેના ઘરમાં જ ચામાં ઝેરી પાઉડર પીવડાવી હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે. સરખેજ પોલીસે વિગતો મોકલતાં આ અંગે અંજાર પોલીસ વિશેષ તપાસ કાર્યવાહી હાથ ધરશે.
અમદાવાદની સરખેજ પોલીસે જણાવ્યુ કે, અંજારના મોમાઈ માતાજીનાં મંદિરે પૂજા કરતાં પૂજારીના પુત્ર નરેશગિરિ સુરેશગિરિ ગોસ્વામી જે રાજ બાવાજી તરીકે ઓળખાય છે તેમનું તા. ૧૬-૭-૨૦૨૦ના મૃત્યુ થયું હતું. જેનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું માની લેવામાં આવ્યું હતું. પરંતુ આ મૃત્યુના ૪ વર્ષ બાદ પકડાયેલા વઢવાણના નવલસિંહ નામના ભુવાજીએ પોતાની કબૂલાતમાં જણાવ્યુ હતું કે, નરેશગિરિ ઉર્ફે રાજ બાવાજી અને તેમની પત્ની સોનલ ઉર્ફે હેતલ રાવલ વચ્ચે ઝઘડાઓ થતાં હતા. બન્નેએ પ્રેમ લગ્ન કર્યા બાદ કોઈને કોઈ બાબતે વિવાદો થતાં રહેતા હોવાથી શાંતિ માટે મૃતક યુવાન રાજ બાવાજીએ વઢવાણ ખાતેના નવલસિંહ ભુવાજીનો સંપર્ક કર્યો હતો. દરમિયાન વિધિ કરાવ્યા બાદ અને વઢવાણ ખાતે ૩-૪ વખત ધક્કા ખાધા બાદ પણ ગૃહ કંકાસમાં શાંતિ ન મળતા નવલસિંહ અને રાજ બાવાજી વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી નવલસિંહ અંજાર આવ્યા હતા અને રાજ બાવાજીના ઘરે જ શાંતિ માટેની વિધિ કરી હતી. આ દરમિયાન તેણે લિક્વિડમાં સોડિયમ પાઉડર નાખી દીધો હતો અને તે લિક્વિડ રાજ બાવાજીને પીવડાવી ત્યાંથી ચાલ્યો ગયો હતો. જેના અમુક સમય બાદ રાજ બાવાજીને હાર્ટ એટેક આવી જતાં તેમનું મૃત્યુ થયું હતું અને પરિવારે હાર્ટ એટેકના કારણે જ મૃત્યુ થયું હોવાનું સમજી લેતા પી.એમ. કરાવવા કે પોલીસને જાણ કર્યા વગર જ અંતિમ વિધિ કરી નાખી હતી. એચએએલ આ સંપૂર્ણ કેસ બાબતે નવલસિંહ ભૂવાજી સાથે સંબંધ ધરાવતા લોકોની પૂછપરછ ચાલુ છે અને ટૂક સમયમાં આ બાબતે અમદાવાદની સરખેજ પોલીસ કાર્યવાહી કરશે તેવું પણ જાણવા મળ્યું છે.