Sanjay Manjrekar raised questions on Gautam Gambhir : હાલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય બેટરોનું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી. પર્થ ટેસ્ટની બીજી ઈનિંગને બાદ કરતાં ભારતીય બેટરો કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. એડિલેડમાં રમાયેલી ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં બેટરોની હાલત ખરાબ થઇ ગઈ હતી. અને જેને લીધે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે હાલ બ્રિસ્બેનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં ભારતે 51 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન ભૂતપૂર્વ ક્રિકેટર અને પ્રખ્યાત કોમેન્ટેટર સંજય માંજરેકરે આકરા પ્રહારો કર્યા છે.
ભારતના સ્ટાર બેટરો સતત નિષ્ફળ
સંજય માંજરેકરે નામ લીધા વિના BCCI તેમજ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને તેમના કોચિંગ સ્ટાફને ઘણાં મુશ્કેલ પ્રશ્નો પૂછ્યા છે. ગંભીરની કોચિંગ ટીમમાં આસિસ્ટન્ટ કોચ રેયાન ટેન ડેશકાટે, આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર અને બોલિંગ કોચ મોર્ને મોર્કેલનો સમાવેશ થાય છે. જયારે ટી દિલીપ ફિલ્ડિંગ કોચની જવાબદારી સંભાળી રહ્યા છે. રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન પણ તેઓ આ પદ પર રહ્યા હતા. તેણે ભારતીય ટીમમાં બેટિંગ કોચની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંત સસ્તામાં આઉટ થઇ ગયા હતા. રિષભ પંત 9 રન, યશસ્વી જયસ્વાલ 4, વિરાટ કોહલી 3 અને શુભમ ગિલ 1 રન બનાવીને આઉટ થયા હતા.
શું કહ્યું માંજરેકરે?
ભારતીય સ્ટાફમાં બેટિંગ કોચની ભૂમિકા વિશે માંજરેકરે સવાલો પૂછ્યાં છે. માંજરેકરે કહ્યું હતું કે, ભારતીય બેટિંગમાં મુખ્ય ટેકનિકલ સમસ્યાઓ ઘણાં લાંબા સમયથી ઉકેલાયેલી નથી. તેના માટે મેનેજમેન્ટે જવાબદાર બનવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘મને લાગે છે કે ભારતીય ટીમમાં બેટિંગના કોચની ભૂમિકાની તપાસ કરવાનો સમય આવી ગયો છે. શા માટે કેટલાક ભારતીય બેટરો સાથેની મુખ્ય ટેકનિકલ સમસ્યાઓ આટલા લાંબા સમય સુધી કેમ ઉકેલાયી નથી?
આ પણ વાંચો : ગાબામાં ત્રણ જ રનમાં પવેલિયન ભેગો થયો કોહલી, ગાવસ્કરે કહ્યું- તેંડુલકરથી કંઈક શીખો
ભારતીય ટીમનું ઓસ્ટ્રેલિયા સામે નિરાશાજનક પ્રદર્શન
ઓસ્ટ્રેલિયા સામેના પ્રવાસમાં ભારતીય ટીમની બેટિંગની હાલત ખરાબ દેખાઈ રહી છે. પર્થમાં બીજી ઈનિંગને બાદ કરતાં ભારતીય ટીમ 200 રનનો આંકડો પણ પાર કરી શકી નથી. ભારતે અત્યાર સુધી ચાર ઇનિંગ્સમાં અનુક્રમે 150, 487, 180 અને 175 રન બનાવ્યા છે. જેમાં ખેલાડીઓની ટેકનિકલ ખામીઓ સામે આવી હતી. વિરાટ, યશસ્વી, ગિલ અને પંતને આઉટ કર્યા બાદ સોશિયલ મીડિયા પર ભારતીય ટીમ પર સતત સવાલો ઉભા થઈ રહ્યા છે.