- માંગરોલીયા ગામના 100 વર્ષીય વૃદ્ધાએ મતદાન કર્યું
- સિનિયર સિટીઝનો માટે મતદાનની અલગ વ્યવસ્થા
- 80 વર્ષથી ઉપરના મતદારોનું બેલેટ પેપર દ્વારા મતદાન
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના મતદાનના પ્રથમ તબક્કાને લઈને આ વખતે સિનિયર સિટીઝનો માટે મતદાનની અલગ વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરત જિલ્લાની મહુવા વિધાનસભામાં આજે 80 વર્ષથી ઉપરના મતદારોનું બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં બારડોલી તાલુકાના માંગરોલીયા ગામના 100 વર્ષીય વૃદ્ધાએ મતદાન કર્યું હતું.
માંગરોલીયા ગામે 100 વર્ષીય વૃદ્ધાએ આજે મતદાન કર્યું
રાજ્યમાં આગામી પહેલી ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. જેમાં માટે વહીવટી તંત્ર દ્વારા દિવસોથી કમર કસવામાં આવી રહી છે. આ વખતે ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા દરેક વ્યક્તિ મતદાન કરી શકે એ હેતુ સાથે કેટલાક અલાયદા આયોજન કરવામાં આવ્યા છે. જે આયોજન પૈકી જે મતદારો 80 વર્ષથી વધુ ઉંમરના છે અથવા શારીરિક રીતે અશક્ત હોય એવા મતદાઓના ઘરે જઈને પણ તંત્ર મતદાન કરાવવાની તૈયારી કરી રહી છે. જેના ભાગરૂપે મહુવા વિધાનસભામાં સમાવિષ્ટ બારડોલી તાલુકાના માંગરોલીયા ગામે 100 વર્ષીય વૃદ્ધાએ આજે મતદાન કર્યું હતું.
21 જેટલા મતદારો આ વખતે મતદાન કર્યું
બારડોલી તાલુકાના માંગરોલીયા ગામના વાલીબેન કેશવભાઈ પટેલ ત્રીજી જાન્યુઆરીએ સો વર્ષ પૂર્ણ કરનાર છે. અને સો વર્ષ પૂર્ણ કરીને 101 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરનાર છે. ત્યારે આજે મહુવા વિધાનસભાના ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવનાર અધિકારીઓ માંગરોળીયા ગામે પધાર્યા હતા અને વૃદ્ધા વાલીબેનને બેલેટ પેપર આપી ચૂંટણી પ્રક્રિયાની સમજ આપી અને મતદાન કરાવ્યું હતું. વૃદ્ધો માટે મતદાનની વાત કરીએ તો મહુવા વિધાનસભામાં આ વખતે 21 જેટલા મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેઓ 80 વર્ષથી વધુ ઉંમરના હોય અને શારીરિક રીતે અશક્ત હોય એવા 21 જેટલા મતદારો આ વખતે મતદાન કર્યું છે.