ગાંધીનગર: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફરીથી મુખ્યમંત્રી બન્યાના બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ અવસરે ગુરૂવારે 12 ડિસેમ્બરે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર અને અમદાવાદમાં યોજાનારા આ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમગ્ર મંત્રીમંડળ પણ ઉપસ્થિત રહેશે. ત્યારે આ બધાની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદીને મળવા દિલ્હી પ્રવાસે જવાના છે.
આ કાર્યક્રમો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “યુવા, કિસાન, મહિલા અને ગરીબ” કેન્દ્રિત મિશન પર આધારિત રહેશે. રાજ્યમાં જનહિત અને વિકાસને આગળ વધારવા માટે કેટલીક મહત્વની યોજનાઓ અને પ્રોજેક્ટો જાહેર કરવામાં આવશે.
ખેડૂતો માટે: મહાત્મા મંદિરમાં સવારે ફાર્મર પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન (એફપીઓ) કાર્યક્રમ યોજાશે, જે કિસાનોને સશક્ત કરવા માટે ખાસ આયોજન છે.
શ્રમજીવી વર્ગ માટે: અમદાવાદમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ પાંચ રૂપિયામાં ભોજન પૂરૂ પાડતા નવા કેન્દ્રોનું ઉદ્ઘાટન કરાશે.
યુવાઓ માટે: ગાંધીનગરમાં 500 જેટલા યુવાનોને રોજગારી પત્રો એનાયત કરવામાં આવશે.
મહિલાઓ માટે: અમદાવાદના આઇ-ક્રિએટ ખાતે સ્ટાર્ટઅપ પ્રોત્સાહન કાર્યક્રમ યોજાશે, જેમાં મહિલાઓને નવું ધમખમ આપવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસ
આ પ્રસંગની તૈયારીઓ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે રવાના થયા છે. તેઓ પીએમ નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે અને ગુજરાતના વિકાસ અને ડેવલપમેન્ટ રિપોર્ટ રજૂ કરશે. આ મુલાકાત દરમિયાન ગુજરાતના વિવિધ પ્રોજેક્ટ્સ અને યોજનાઓ માટે સહયોગ મેળવવા તેમજ રાજ્યના આગામી આયોજન વિશે ચર્ચાઓ થવાની શક્યતા છે. મુખ્યમંત્રીના આ દિલ્હી પ્રવાસને રાજકીય દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેઓ રાજ્યની નવી સિદ્ધિઓ અને આગળના ઉદ્દેશ્યો પર પ્રકાશ પાડશે. પીએમ મોદીની સાથે આ બેઠક રાજકીય માહોલમાં નવી હલચલ લાવવાની શક્યતા ધરાવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર