લગ્નની સીઝન પૂરી થઈ અને કૃષિ સીઝનનો ધમધમાટ વધ્યો
ચણાના ભાવ ઉંચા રહેતા ગત વર્ષથી ૧.૦૮ લાખ હેક્ટરનો વધારો, ઘંઉ,જીરુ,ધાણા,ડુંગળી,બટાટા,રાઈ,તમાકુના પાકમાં
પણ ઉત્સાહ
રાજકોટ : લગ્નની સીઝન પૂરી થવા સાથે અને એકધારી ઠંડી અને માવઠાંરહિત
સુકુ-સૂર્યપ્રકાશિત હવામાન રહેતા સપ્તાહ પહેલાના સમય સુધી મંદ રહેલ વાવેતરમાં વેગ
આવ્યો છે. ગત સવા મહિનામાં ૨૫ લાખ હેક્ટર બાદ ગત એક સપ્તાહમાં ખેડૂતોએ ૧૨ લાખ
હેક્ટર જમીન ખેડીને વિવિધ કૃષિજણસીના બીજ રોપી દીધા હતા અને ગુજરાતનું વાવેતર
૨૫.૩૮ લાખ હેક્ટર (૫૫.૧૦ ટકા)થી વધીને આજે તા.૧૬-૧૨-૨૦૨૪ના ૩૭.૧૫ લાખ હેક્ટરે
પહોંચી ગયું છે જે મૌસમના સરેરાશ વાવેતરના ૮૧ ટકા જેટલુ છે.
ખરીફ ઋતુમાં એટલે કે ચોમાસામાં ખેડૂતોએ મગફળીનું ધૂમ વાવેતર
કર્યું ત્યારે હાલ રવી સીઝનમાં ખેડૂતોએ ચણાનું વાવેતર નોંધપાત્ર વધાર્યું છે. ગત
વર્ષે આજ સુધીમાં ૫.૬૫ લાખ હેક્ટર સામે આ વર્ષે આજ સુધીમાં ૬.૭૨ લાખ હેક્ટરમાં ચણા
વવાયા છે જે મૌસમ પૂરી થતા ૮ લાખને પાર થવા સંભવ છે.ઉલ્લેખનીય છે કે હાલ ખેડૂતોને
યાર્ડમાં મગફળી કરતા પણ ચણાના વધુ ભાવ મળે
છે. મગફળી પ્રતિ મણ રૃ।.૯૦૦થી ૧૨૫૦ વચ્ચે વેચાય છે ત્યારે ચણાના રૃ।.૧૧૮૦-૧૩૫૦ના
ભાવ મળે છે અને તેની માંગ પણ વધી છે. સફેદ ચણા તો પ્રતિ મણ રૃ।.૨૬૦૦ને પાર થયા છે.
આજ સુધીમાં ચણા
ઉપરાંત મકાઈનું વાવેતર ગત સીઝનમાં ૧.૦૩ લાખ હે. સામે આ વર્ષે અત્યાર સુધીમાં જ
૧.૧૫ લાખ હેક્ટરમાં, તમાકુનું
૧.૨૦ લાખ. હે.સામે ૧.૨૩ લાખ હેક્ટર,
બટાટાનું ૧.૩૧ લાખ હે.થી વધીને ૧.૪૪ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.
ઉપરાંત મુખ્ય પાકોમાં ઘંઉ ૯.૮૨ લાખ હેક્ટરમા, ધાણા ૧.૦૪ લાખ
હેક્ટરમાં, જીરુ
૩.૭૭ લાખ હે.,ડુગળી ૬૦
હજાર હે., બટાટા
૧.૪૪ લાખ હે.,શેરડી
૧.૪૩ લાખ હે. તેમજ સવા,ઈસબગુલ,જુવાર, વરિયાળી સહિત ૨૧
પ્રકારના કૃષિ પાકોના વાવેતરમાં વેગ આવ્યો છે. કૂલ ૩૭ લાખ હે.માં ૧૪.૭૦ લાખ હેક્ટર
વાવેતર માત્ર સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં છે.
રાજ્યમાં ચણા, જીરુ, ધાણા, ડુંગળીના
વાવેતરમાં સૌરાષ્ટ્રમાં અગ્રેસર રહ્યું છે જ્યારે ઘંઉ દક્ષિણ ગુજરાતને બાદકરતા
સમગ્ર રાજ્યમાં વવાય છે. બટાટા ઉત્તર ગુજરાતમાં અને મકાઈ મધ્ય ગુજરાતમાં વધારે
વવાય છે.