– તા.26ની રાત્રે શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકવાના પગલે
– રાજકોટનું ક્લાઈમેટ બદલાયું, ઉનાળામાં સર્વાધિક ગરમ, શિયાળામાં સૌથી ઠંડુઃ પોરબંદર,કચ્છમાં શીતલહર,જુનાગઢ,કેશોદમાં ૧૦ સે.,ગીરનાર ૫ સે.ઠંડોગાર
– રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશનની શક્યતા સાથે મૌસમમાં મોટો પલ્ટો આવશે
– તા.૨૬ ડિસેમ્બરથી હિમાલય વિસ્તારમાં બરફવર્ષાના પગલે રાજ્યમાં કાતિલ ટાઢની ભીતિ
રાજકોટ: રાજ્યમાં ખાસ કરી સૌરાષ્ટ્રમાં કચ્છથી રાજકોટ,જુનાગઢ,પોરબંદર પટ્ટી ઉપર ધુ્રજાવી દેતી ટાઢ પડી રહી છે ત્યારે આ ઠંડીની સાથે નાતાલ પછી તા.૨૬ ડિસેમ્બરથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં માવઠાંની આગાહી મૌસમ વિભાગે કરી છે. હાલ એકંદરે સુકુ હવામાન લાંબા સમયથી છે ત્યારે નાતાલ પછી જબરદસ્ત પલટા સાથે હવામાન કથળવાના સંજોગો નિર્માણ થયા છે. બીજી તરફ, આજે પણ સૌરાષ્ટ્રમાં લોકો થરથર ધુ્રજી ઉઠે તેવી ઠંડીનું જોર જારી રહ્યું હતું અને રાજકોટ,પોરબંદર અને કચ્છમાં નોર્મલ કરતા ૫ સે.નીચા તાપમાન સાથે શીતલહર ફરી વળી હતી.
દેશમાં એક તરફ બંગાળની ખાડીમાં વિશાખાપટ્ટનમ્ થી આજે ૪૩૦ કિ.મી.ના અંતરે વાવાઝોડાનું નાનુ સ્વરૂપ એવું ડીપ્રેસન સર્જાયું છે,જેનાથી આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી જમ્મુ કાશ્મીર,હિમાચલ પ્રદેશમાં આવતીકાલ તા.૨૨થી તા.૨૪ વરસાદ-બરફવર્ષાની આગાહી છે ત્યારે તા.૨૬ની રાત્રિના વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે વધુ એક્ટીવ અને શક્તિશાળી છે તે ઉત્તરપશ્ચિમ ભારત પર ત્રાટકી રહ્યું છે જેની અસરથી રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન તા.૨૭ના સર્જાવાની શક્યતા છે. આ સીસ્ટમ સાથે નીચા લેવલના પવનોથી અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીમાંથી ભેજ ખેંચાશે અને તેના પગલે હિમાલયન વિસ્તારમાં તા.૨૬થી તા.૨૮ વ્યાપક બરફવર્ષાની આગાહી છે.
મૌસમના આ પરિવર્તનની ગુજરાત ઉપર વ્યાપક અસર પડવા સંભાવના છે. આગામી ગુરુવાર તા.૨૬ના સૌરાષ્ટ્રના ખાસ કરીને જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં તથા ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા વગેરે જિલ્લામાં માવઠાંની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર ઉત્તરથી રાજસ્થાન થઈને સીધા પવનો આવતા હોય છે જેના પગલે માવઠાં પછી ધુ્રજાવી દે તેવી કાતિલ ટાઢની ભીતિ પણ સર્જાઈ છે.
દરમિયાન રાજકોટનું ક્લાઈમેટ બદલાયું છે, ઉનાળામાં દેશમાં સર્વાધિક તાપમાન અહીં નોંધાયા બાદ હવે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રાજકોટ બની રહ્યું છે. નલિયામાં રણપ્રદેશથી સીધા બર્ફીલા પવનો આવતા હોય ત્યાં કાયમ ઠંડી વધારે રહે છે, આજે ત્યાં ૫.૮ સે.તાપમાન નોંધાયું હતું જ્યારે તે સિવાયના ગુજરાતમાં સૌથી નીચું તાપમાન આજે રાજકોટમાં ૯.૪ સે. નોંધાયું છે. આ ઉપરાંત પોરબંદરમાં પણ આ સમયે નોર્મલ હોય તેના કરતા ૪થી ૫ સે. નીચું તાપમાન રહે છે, આજે ત્યાં ૧૦.૫ સે.એ કોલ્ડવેવ ફરી વળ્યો હતો.
સૌરાષ્ટ્રમાં આ ઉપરાંત ગીરનાર પર્વત ૫ સે.તાપમાને ઠંડોગાર બની ગયો હતો અને આબુ જેવી ઠંડીનો અહેસાસ થયો હતો. કેશોદમાં ૯.૮, જુનાગઢ ૧૦, અમરેલી અને ભૂજમાં ૧૧,કંડલા ૧૧.૯, સુરેન્દ્રનગર ૧૨.૮ તથા ભાવનગર,અમદાવાદ,ગાંધીનગર ૧૪, દ્વારકા, વેરાવળ, દિવ, વડોદરા, ૧૫ સે. સાથે રાજ્યભરમાં ઠંડીનો અનુભવ જારી રહ્યો હતો.