Gujarat Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં રવિવારે કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં રવિવારને 11 મે ના રોજ સવારના 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં 19 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 2.83 ઇંચ (72 મીમી ) વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદને પગલે ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે. જેને લઇ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
રવિવારે 6 તાલુકમાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે રવિવારે 11 મે ના રોજ સવારના 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં 19 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 6 તાલુકમાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 2.83 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ સિવાય માળિયા હાટીનામાં 1.77 ઇંચ, જામજોધપુરમાં 1.57 ઇંચ, માણાવદર અને ધારીમાં 1.38 ઇંચ અને લાલપુરમાં 1.02 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પોશિનામાં 17 મીમી, લાઠી, લોધિકામાં 17-17 મીમી, બાબરામાં 15 મીમી, વિસાવદરમાં 10 મીમી, અંજાર, ધ્રોલ અને રાણાવાવમાં 5 મીમી, ભૂજ, પોરબંદર અને કેશોદમાં 4 મીમી, મુન્દ્રા અને અમરેલીમાં 1-1 મીમી વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો – ગુજરાતમાં અદાણી પોર્ટને ઉડાવી દેવાનો પાકિસ્તાનનો દાવો ખોટો, સામે આવ્યું સત્ય
ભારતમાં ચોમાસું 5 દિવસ વહેલું શરૂ થશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે ચોમાસુ કેરળના દરિયાકાંઠે સમય કરતાં પાંચ દિવસ વહેલા પહોંચી શકે છે. ચોમાસુ 27 મેના રોજ આવવાની ધારણા છે. સામાન્ય રીતે ચોમાસુ 1 જૂને કેરળના દરિયાકાંઠે પહોંચે છે. IMD ના ડેટા અનુસાર, જો ચોમાસુ અપેક્ષા મુજબ કેરળ પહોંચે છે તો તે 2009 પછી ભારતીય મુખ્ય ભૂમિ પર ચોમાસાનું પ્રથમ અકાળ આગમન હશે. ત્યારબાદ ચોમાસુ 23 મેના રોજ પહોંચ્યું હતું. સામાન્ય રીતે દક્ષિણપશ્ચિમ ચોમાસુ 1 જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરે છે અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને કહ્યું હતું કે, ‘ભારતમાં ચાર મહિનાના ચોમાસા (જૂનથી સપ્ટેમ્બર) માં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે.’ આ વખતે ચોમાસા પહેલાની ઘણી પ્રવૃત્તિ પણ જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનાથી દેશના મોટા ભાગોમાં ભારે પવન અને વરસાદની ગતિવિધિઓ ચાલુ છે.