Chhota Udaipur Pregnant Women suffer reaching to hospital: ગાંધી જયંતીના દિવસે બીજી ઓક્ટોબરે ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં એક શરમ જનક ઘટના બની હતી. ગાંધીજી હંમેશા ગામડાઓના વિકાસની વાત કરતાં હતાં, પરંતુ તેમના મૃત્યુના પણ આટલાં વર્ષો બાદ પણ જાણે ગાંધીજીની આ ઈચ્છા સરકાર અને તંત્રની ઈચ્છા શક્તિના અભાવના કારણે અધૂરી જ રહી ગઈ છે. ગત બીજી ઓક્ટોબરે ગુજરાતના છોટાઉદેપુરમાં પ્રસૂતાને ગામડામાં સ્વાસ્થ્ય અને રસ્તાની સુવિધાના અભાવના કારણે જીવ ગુમાવવો પડ્યો હતો. ત્યારે હાઈકાર્ટે આ ઘટનાને ગંભીરતાથી લઈ સુઓમોટો અરજી દાખલ કરી કેસ હાથમાં લીધો હતો અને કહ્યું હતું કે, આ ઘટનાથી અમારા માથા શરમથી ઝૂકી ગયાં છે. હાઈકોર્ટે રાતોરાત છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ખાતે 18.50 કરોડના ખર્ચે 9 કિલોમીટરના રસ્તાને મંજૂર કર્યો હતો. જોકે, તંત્ર રસ્તો બનાવે તે પહેલાં ફરી ગ્રામજનો અન્ય એક પ્રસૂતાને આ રીતે ઝોળીમાં નાંખીને આરોગ્ય કેન્દ્ર લઈ જવા મજબૂર બન્યા હતાં.
શું છે સમગ્ર ઘટના?
શનિવારે (19 ઓક્ટોબર) છોટા ઉદેપુરના તુરખેડા ગામના માનુક્લા ફળિયામાં એક પ્રસૂતાને પ્રસવ પીડા ઉપડી હતી. પરંતુ ગામમાં આરોગ્યની સેવા ન હોવાના કારણે પ્રસૂતાને આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાની હતી. જોકે, ગામમાં સારો રસ્તો ન હોવાથી કોઈ એમ્બ્યુલન્સ પ્રવેશી શકતી નથી. તેથી પ્રસૂતાને ગામના લોકો ઝોળીમાં નાંખીને આરોગ્ય કેન્દ્રમાં લઈ જવા મજબૂર બન્યા હતાં. પ્રસૂતાને ઝોળીમાં નાંખી ત્રણ કિલોમીટર દૂર ડુંગર લઈ જવાઈ હતી અને ત્યાંથી ક્વાંડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાઈ હતી. આરોગ્ય કેન્દ્રમાં પહોંચ્યા બાદ મહિલાને પ્રસૂતાએ રાત્રે બાળકને જન્મ આપ્યો હતો.
આ પણ વાંચોઃ ‘ટનલ બને તો ગામડાના રોડ કેમ નહીં?’ પ્રસુતાના મોત અંગે સરકાર પર ભડકી ગુજરાત હાઇકોર્ટ
હાઇકોર્ટની ફટકાર છતાં તંત્રની નબળી કામગીરી
આ પહેલાં બનેલી ઘટનામાં પ્રસૂતાને આ રીતે ઝોળીમાં લઈ જવાના કારણે જીવ ગુમાવ્યો તેના પણ 20 દિવસ થઈ ગયાં અને હાઈકોર્ટે રોડ બનાવવાનો આદેશ આપ્યો તેના પણ આશરે 15 દિવસ થવા આવ્યા. તેમ છતાં છોટાઉદેપુના તુરખેડામાં રસ્તો બનાવવાને લઈને તંત્ર જાણે ઊંધી જ રહ્યું છે. તુરખેડાથી જે વીડિયો સામે આવ્યો છે, તેને જોઈને તો એવું લાગી રહ્યું છે કે, તંત્રએ 15 દિવસ છતાં અહીં રોડ બનાવવાની કામગીરી શરૂ પણ નથી કરી. પહાડી રસ્તો જેમનો તેમ ધૂળ-ઢેંફાવાળો દેખાઈ રહ્યો છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે, તંત્ર હાઇકોર્ટના આદેશને પણ ગણકારી નથી રહ્યું અને આ ગામના લોકોને પોતાના હાલ પર જીવવા મજબૂર કરી દીધાં છે.
20 દિવસમાં ત્રીજીવાર બની આવી ઘટના
નોંધનીય છે કે, છેલ્લા 20 દિવસમાં ત્રીજી વખત આવી ઘટના બની છે, જેમાં પ્રસૂતાને ઝોળીમાં નાંખીને ત્રણથી પાંચ કિલોમીટર દૂર ગામની બહાર લઈ જઈને ક્વાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હોય. આઝાદીના આટલાં વર્ષો છતાં પણ સરકાર ન તો ગામમાં આરોગ્યની સુવિધા ઊભી કરી શકી છે અને ન તો ગામની બહાર આરોગ્યની સેવા મેળવી શકાય તે માટેનો રસ્તો બનાવી શકી છે. વારંવાર આ રીતે પ્રસૂતાઓને જીવના જોખમે ઝોળીમાં લઈ જવી પડે છે. તેમ છતાં જાણે છોટા ઉદેપુરની આ મહિલાઓના જીવનું કોઈ મૂલ્ય જ ન હોય, તે રીતે સરકાર દર વખતે આવી ઘટનાઓ સામે આંખ આડા કાન કરીને બેસી રહે છે.
હાઇ કોર્ટે લગાવી ફટકાર
આ પહેલાંની ઘટનાને ગંભીરતાને લઈ ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી વખતે હાઇકોર્ટે કહ્યું કે, આવા બનાવથી અમારું માથું શરમથી ઝૂકી ગયું છે. 3 ઑક્ટોબરે હાઇકોર્ટમાં જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટીસ નીશા ઠાકોરની બેન્ચ દ્વારા બીજી ઑક્ટોબરે બનેલી આ ઘટનાની સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ બીરેન વૈષ્ણવે કોર્ટમાં કહ્યું હતું કે, તેમના માથા આ સમાચારથી શરમથી ઝૂકી ગયા છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, આપણે વિકાસની વાતો કરીએ છીએ, પરંતુ સરકાર આવી જગ્યાએ રોડ બનાવી નથી શકતી. આપણે જમ્મુ-કાશ્મીરમાં ટનલ બનાવી શકીએ પણ ગામડાંને 5 વર્ષથી રોડ નથી આપી શકતા.