- કેન્દ્રએ રૂ.442 કરોડને બદલે 220 કરોડ આપ્યા
- ગ્રાન્ટ યુટિલાઇઝેશન સર્ટી. તથા પ્રોગ્રેસ રિપોર્ટ આપવામાં રાજ્ય સરકારે ધાંધિયા કર્યા
- ગુજરાત સરકારના કારણે રૂ.222 કરોડની જંગી ગ્રાન્ટનું નુકસાન ગયું
ગુજરાતના 26 ભાજપી સાંસદોને કેન્દ્ર સરકારના અને ગુજરાત સરકારના કારણે રૂ.222 કરોડની જંગી ગ્રાન્ટનું નુકસાન ગયું છે. જો આ પેન્ડિંગ ગ્રાન્ટ રાજ્યના સાંસદોને મળી હોત તો એમના વિસ્તારના લોકોને આટલી રકમના વિકાસકાર્યોનો લાભ મળી શક્યો હોત.
રાજ્યના સાંસદોને પ્રતિવર્ષ રૂ. 5 કરોડની ગ્રાન્ટ તેમના વિસ્તારના વિકાસકાર્યો માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. વર્ષ મે-2019થી મે-2024 સુધીના પાંચ વર્ષમાં પ્રત્યેક સાંસદને રૂ. 25 કરોડની ગ્રાન્ટ મળવાપાત્ર થાય. પરંતુ 2020-21ના વર્ષમાં કોરોનાને કારણે કોઈ ગ્રાન્ટ અપાઈ નહીં અને 2021-22માં કોરોનાને લીધે રૂ.5 કરોડને બદલે રૂ. 2 કરોડની ગ્રાન્ટ અપાઈ. આને કારણે રાજ્યના પ્રત્યેક સાંસદને છેલ્લા પાંચ વર્ષમાં રૂ.17 કરોડની ગ્રાન્ટ મળવાપાત્ર થઈ. પરંતુ 2023-24માં કેન્દ્ર સરકારે કાણી પૈઈ પણ ગ્રાન્ટ તરીકે ફાળવી નથી, એટલે સાંસદોને છેલ્લા વર્ષની ગ્રાન્ટનું નુકસાન થયું. પરિણામે પ્રત્યેક સાંસદને રૂ.12 કરોડની ગ્રાન્ટ મળવા માટે ઉપલબ્ધ હતી. આમાં પણ કેન્દ્ર સરકારે 18 સાંસદોને 2022-23ની ગ્રાન્ટના હપતા ચૂકવ્યા નથી. કેન્દ્ર સરકાર સાંસદોને ઓછી ગ્રાન્ટ ફાળવવા બદલ દોષનો ટોપલો ગુજરાત સરકાર ઉપર ઢોળી રહી છે. ગુજરાત સરકારે ગ્રાન્ટની રકમનો પ્રોગ્રેસ રિપોર્ટ તથા ગ્રાન્ટના ઉપયોગનું સર્ટિફિકેટ કેન્દ્ર સરકારને નહીં મોકલતા ગ્રાન્ટ રિલીઝ થઈ નથી. ટૂંકમાં પ્રત્યેક સાંસદોને રૂ.17 કરોડ લેખે મળવાપાત્ર ગ્રાન્ટ કુલ રૂ.442 કરોડ હતી, પરંતુ રૂ. 220 કરોડ જ કેન્દ્ર સરકારે રિલીઝ કર્યાં, એટલે સાંસદોને અને એમના થકી રાજ્યની પ્રજાને રૂ.220 કરોડની સમયસર ગ્રાન્ટનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. એસોસિયેશ ઑફ ડેમોક્રેટિક રિફોર્મ્સ-એડીઆરના ગુજરાત એકમના વિશ્લેષણ પ્રમાણે કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિત શાહ સહિત 16 સાંસદોને પ્રત્યેકને રૂ. 9.5 કરોડની ગ્રાન્ટ છેલ્લા પાંચ વર્ષમાં મળી છે. જ્યારે 9 સાંસદોને પ્રત્યેકને રૂ.7 કરોડ ગ્રાન્ટ ફાળવાઈ છે તથા એકમાત્ર સાંસદ મોહન કુંડારિયાને કેવળ રૂ.5 કરોડની ગ્રાન્ટ મળી છે.