- ભાડા ન ચૂકવતા મકાન માલિકોએ 15 દિવસની મુદ્દત આપી
- જો ભાડું નહીં ચૂકવાય તો આંગણવાડીઓને લાગશે તાળા
- ગ્રાન્ટ ન આવતી હોવાનું જવાબદારો દ્વારા રટણ
ગીર સોમનાથમાં સરકારે ખોલેલી આંગણવાડીમાં સરકારની લોલમલોલ જોવા મળી રહી છે. વેરાવળ સોમનાથમાં 148 આંગણવાડીના મકાનના ભાડા સરકારે 17 માસથી ચૂકવ્યા નથી. વેરાવળની આંગણવાડીઓનું લાખો રૂપિયાનું ભાડું કેમ હજી સુધી નથી ચૂકવાયું તે એક સવાલ છે. નાના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે પરંતુ આ ભવિષ્યનું જ્યાં ઘડતર થઈ રહ્યું છે તેને જો તાળા લાગી જશે તો સરકારની વિકાસની વાતો માત્ર કાગળ પર જ રહી જશે. ગુજરાત સરકાર આમતો મહિલા બાળ વિકાસ ની અનેક મસમોટિ વાતો કરે છે અને અનેક યોજનાઓ પણ લાવે પણ છે. પરંતુ બાળ વિકાસ યોજનાની વાતો કરતી આ સરકારની ગીર સોમનાથ જિલ્લામાં પોલ ખુલ્લી પડે છે. કારણ દેશ અને ગુજરાતના ભવિષ્યનું જ્યાંથી ધડતર થાય છે જ્યાં પાયો નખાય છે, તેવી કેટલીક આંગણવાડીઓ બંધ થવાના આરે છે.જે ચાલુ છે તે માત્ર મકાન માલિકના ભરોસે જ ચાલે છે. સત્તર-સત્તર મહિનાથી આ આંગણવાડી માલિકોને ભાડું જ ચૂકવાયું નથી..!! સરકાર વિવિધ કારણે કરોડો રૂપિયા ખર્ચે છે..તો તેની પાસે મામુલી ગણાતું આંગણવાડીનું ભાડું ચુકવવાની રકમ જ નથી…!! પહેલાતો આંગણવાડી ભાડે ચલાવવી પડે તે બાબત જ સરકાર માટે શરમ જનક ગણાય..! નવી આંગણવાડીના કામો અધૂરા પડ્યા છે.તો ભાડું ચૂકવવા સરકાર પાસે પૈસા નથી..! આ તે કોઈ સીસ્ટમ છે..?
સરકાર પોતાની વાહવાહી કરવા કરોડો ખર્ચે છે.અને ભાડાના મકાનમાં ચલાવાતી આંગણવાડીઓ નું ભાડું ચૂકવવા મૂડી નથી..! જે મકાન માલિકો પોતાનું નાનકડું મકાન ભાડે આપવા માટે તૈયાર થયા હોય તે તેને તેમાંથી થોડા આર્થિક ઉપાર્જનની આશા પણ હોય તે સ્વાભાવિક છે.કેટલાક વ્યક્તિઓનું ઘર પણ માત્ર આ આંગણવાડીના મામુલી 3 હજારના માસિક ભાડા પર જ ચાલતું હોય છે.ત્યારે 17 મહિનાથી જો ભાડું જ ન મળે તો…? અને એ પણ સરકાર દ્વારા…!
આંગણવાડીનું 68 લાખ રૂપિયા જેટલું ભાડું બાકી
વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારમાં કુલ 166 આંગણવાડીઓ છે જેમાં ભૂલકાઓ અભ્યાસ કરે છે, પરંતુ તેમાંથી ભાડાના મકાનમાં ચાલતી અદાજીત 148 આંગણવાડી નું ભાડું છેલ્લા દોઢેક વર્ષથી ભાડું ચૂકવાયું નથી ત્યારે હવે મકાન માલિકો તો થાક્યા છે. આ સંદર્ભે વાસ્તવિક ચિતાર મેળવવા અભ્યાસ કર્યો અને આ બાબતે જવાદર અધિકારીનો સંપર્ક કરી વિગત મેળવી ત્યારે આંગણવાડી ઓનું ભાડું ચૂકવી શકાયું નથી. તે બાબત અધિકારી સ્વીકારી રહ્યા છે. કહે છે. અમને ‘ ઉપરથી રૂપિયા આવ્યા ન હોવાનું બેજવાબદાર જવાબ સાંભળીને ખરેખર સૌને આંચકો લાગે તે સ્વાભાવિક છે. પરંતુ આંગણવાડી અધિકારીની પણ કેટલીક મર્યાદા છે. તેઓએ પોતાની મર્યાદામાં રહીને જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને સરકારમાં અનેક જગ્યા એ લેખિત અને મૌખિક રજુઆત કરી છતાં પરિણામ શૂન્ય..! એક તરફ સરકાર બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે પાયો મજબૂત બનાવવા માટે સ્માર્ટ આંગણવાડીની વાતો કરી રહી છે જ્યારે ભાડે ચાલતી આંગણવાડીનું ભાડું ચૂકવવા ગ્રાન્ટ નથી…! અને એ પણ સત્તર …મહિનાથી…!! આ તો માત્ર વેરાવળ-પાટણ પૂરતી જ વાત છે..જ્યાં આંગણવાડીનું 68 લાખ રૂપિયા જેટલું ભાડું જે સરકાર માટે મામુલી રકમ કહેવાય તે ચૂકવવા ગ્રાન્ટ નથી…?. આમ થશે વિકાસ….આમ ભણશે ગુજરાત તેવા સવાલો ગીરની જનતામાં ગુંજી રહ્યા છે.
સરકારની બેદરકારીના કારણે વધશે તકલીફ
ભાડું ન ચૂકવવાના કારણે મકાન માલિકોએ 15 દિવસની મુદત આપી છે. જેમાં કહેવાયું છે કે જો ભાડું નહીં ચૂકવાય તો આંગણવાડીઓને સરકારની બેદરકારીને કારણે તાળા લાગશે. મહિનાના કુલ મળીને અંદાજે રૂપિયા 4 લાખ લેખે 17 મહિનાના 68 લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવવી બાકી હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓએ કહ્યું કે ગ્રાન્ટ ન આવતી હોવાનું કારણ આપ્યું છે.