સિંહો લટાર મારતા હોય તેવો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ગીર પંથકમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડતાં સાવજોના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતા હોય છે. આ પહેલા અમરેલી પંથકમાં સિંહબાળો સાથે ત્રણ સિંહણનો વીડિયો સામે આવ્યો હતો. જ્યારે ભાવનગરના સિહોરમાં રોડ પાર કરતા સિંહોના ટોળાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે હાલ ગીર ગઢડા પંથકમાં શિકારની શોધમાં સિંહો લટાર મારતા હોય તેવો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ચાર સિંહો એકસાથે નજરે પડે છે.
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ
આજે ગીર ગઢડા તાલુકા શહેરમાં રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં ચાર સિંહો આવી ચડતા સ્થાનિકોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. શહેરમાં મોડી રાત્રે આશરે 4 વાગ્યાની આસપાસ ગીર ગઢડામાં આવેલ રાધે ક્રિષ્ના ચોકમાં ગાયોની પાછળ શિકાર કરવા ચાર સિંહો આવી પહોંચ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ થઈ ગઈ છે. જોકે, સદનસીબે કોઈ દુર્ગટના બનવા પામી નથી.
સિહોના આંટાફેરાથી સ્થાનિકોમાં ડરનો માહોલ
હાલ નવરાત્રીનો સમય ચાલતો હોય લોકો મોડી રાત સુધી બહાર હરતાં ફરતાં હોય છે. ત્યારે રાતના સમયે શિકારની શોધમાં સિહોના આંટાફેરાથી સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.