Last Updated:
Junagadh Kesar Mango: જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદરમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે. આ વર્ષે વાતાવરણના ફેરફારથી મોર બળી ગયા છે અને ઉત્પાદન ઘટવાની શક્યતા છે. બજારમાં કેસર કેરીના ભાવ 1600-3000 રૂપિયા છે. જૂનાગઢ યાર્ડમાં આજે 42 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી.
જૂનાગઢ: સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદરના બરડા પંથકમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે. આ વર્ષે કેરીની સિઝનની શરૂઆતમાં સારું વાતાવરણ હતું. આંબામાં ખૂબ જ મોર આવ્યા હતા. પરંતુ વાતાવરણમાં થયેલા ફેરફારના કારણે મોર બળી ગયા છે. તેમજ ખાખડી પણ ખરી ગઈ છે. જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે. પરંતુ ધીમે ધીમે કેરીની સિઝન શરૂ થઈ રહી છે. બજારમાં કેરી કેરીની ધીમા પગલે આગમન થઈ રહ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ, અમરેલી માર્કેટિંગ યાર્ડ, જૂનાગઢ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં બે દિવસથી કાચી કેરીની આવક થઈ રહી છે.
જૂનાગઢમાં તારીખ 2 માર્ચના 32 ક્વિન્ટલ કેસર કેરીની આવક થઈ હતી અને 20 કિલોના ભાવ 2000 રૂપિયાથી લઈને 3000 રૂપિયા બોલાયા હતા. તેમજ આજે પણ તારીખ 3 માર્ચના જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવક થઈ હતી. એક મણ એટલે કે 20 કિલોનો ભાવ 1600 રૂપિયાથી લઈને 3000 રૂપિયા બોલાયો હતો. હાલ યાર્ડમાં કાચી કેરીની આવક થઈ રહી છે. આગામી સમયમાં યાર્ડમાં પાકી કેરીની પણ આવક થશે. તેમજ 10 કિલોના બોક્સના 800 રૂપિયાથી લઈને 1500 રૂપિયા ભાવ બોલાયા છે. આજે જૂનાગઢ યાર્ડમાં 42 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી.
ગીર પંથકમાં કેસર કેરીનું ચિત્ર નબળું છે. ઉત્પાદનમાં ઘટાડો થશે. ઉત્પાદન ઘટવાના કારણે કેરીના ભાવમાં વધારો થવાની શક્યતા છે. ગત વર્ષે પણ કેરીનું ઉત્પાદન ઓછું થયું હતું. જેના કારણે કેરીની સિઝનના અંત સુધી ભાવ જળવાઈ રહ્યા હતા. આ વર્ષે પણ કેરી મોંઘી વેચાવાની શક્યતા છે. હાલ યાર્ડમાં કાચી કેરીના ભાવ મણના 2000 રૂપિયાથી લઈને 3000 રૂપિયા છે. પરંતુ બજારમાં કેરીના એક કિલોના ભાવ 300 રૂપિયાથી લઈને 500 રૂપિયા બોલાઈ રહ્યા છે.
આ પણ વાંચો: આનંદો! સ્વાદના શોખીનો માટે સારા સમાચાર, કેસર કેરીનું બજારમાં આગમન, જાણો ભાવ
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે. અમરેલી જિલ્લો કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી અને હાફૂસ કેરીની આવક શરૂ થઈ છે. માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો ભાવ 3,000 થી 5500 રૂપિયા સુધી બોલાયો હતો. બે ક્વિન્ટલ કેસર કેરીની આવક નોંધાઈ હતી. સરેરાશ ભાવ 4800 રૂપિયા બોલાયો હતો.
Junagadh,Gujarat
April 03, 2025 1:48 PM IST