- મહિલાને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી
- વનવિભાગે ઘટના સ્થળે દીપડાની શોધખોળ હાથ ધરી
- એક મહિનામાં માનવ સંહારની બીજી ઘટના બની
ગીરગઢડાના ફાટસર ગામે દીપડાએ મહિલા ઉપર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દીપડાને પકડવાની કવાયત હાધ ધરી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે.
શૌચક્રિયા કરવા ગયેલ મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો
ફાટસર ગામે શૌચક્રિયા કરવા ગયેલ મહિલા ઉપર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. ગીર વિસ્તારમાં આવેલ ફાટસર ગામે દીપડાએ વહેલી સવારના સમયમાં અંધકારનો લાભ લઈને મહિલા ઉપર હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. દીપડાના હુમલાનો ભોગ બનનાર લોકોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવતા દીપડો ત્યાંથી નાસી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાંજરા મુકી દીપડાને પકડવાની કવાયત હાથ ધરી છે. જ્યારે ઈજાગ્રસ્ત મહિલાને ઉના ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. દીપડાના હુમલાના કારણે આજુબાજુના ગામના લોકોમાં ફફડાટ ફેલાયો છે અને તાત્કાલિક આ હિંસક દીપડાને પકડી પાંજરે પુરાય તેવી લોકો આશા રાખી રહ્યા છે. એક મહિનામાં જ માનવ પર દીપડા દ્વારા હુમલા કરવાની આ બીજી ઘટના છે.
થોડા દિવસ પહેલા જ માનવભક્ષી દીપડાએ મહિલા ઉપર હુમલો કર્યો હતો
ફાટસર ગામે ખેતરમાં કામ રહેલી મહિલા ઉપર દીપડાએ આતંક મચાવ્યો હતો. ગીર વિસ્તારમાં આવેલ ફાટસર ગામે દીપડાએ જાગૃતિબેન ગોવિંદભાઇ ગુજરિયા, અશ્ર્વિનભાઇ નાનુભાઇ જાગાની વાડીમાં કામ કરતા હતાં ત્યારે દીપડાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. દીપડાના હુમલાનો ભોગ બનનાર લોકોએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવતા દીપડો ત્યાંથી નાસી ગયો હતો આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ પણ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી અને ખેતરમાં બે પાંજરા મુકી દીપડાને પકડવાની કવાયત હાથ ધરી હતી. જયારે ઇજાગ્રસ્ત મહિલાને ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. જશાધરા રેન્જ ફોરેસ્ટ સ્ટાફ આરએફઓ ભરવાડ અને જી.સી.ઝાલા અને ચાવડાભાઇ, રણજીતભાઇ પરમાર અને રામભાઇ ગોહિલ ઘટના સ્થળે દોડી ગયા હતાં અને હિંમતભાઇ મકાણી પણ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી સ્ટાફને ખુબજ સારી રીતે મદદ કરી હતી ઘટના સ્થળે દીપડાને પકડવા બે પિંજારા ગોઠવવામાં આવ્યા હતાં.