- લોકોને મોડી રાત્રે ખબર પડતા સિંહણ પરિવારને જોવા ટોળા ઉમટ્યા
- ઘટનાની જાણ થતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા
- સિંહ પરિવાર દ્વારા વાછરડાના મારણની ઘટનાનું પંચનામું કર્યું
ગારિયાધારના પિપળવા ગામે ગુરૂવારે રાત્રીના સિંહણ અને તેના 4 બચ્ચા દ્વારા 2 વાછડીનુ મારણ કર્યું હોવાની જાણ થતા લોકોના ટોળા ઉમટ્યા હતા. સિંહણ પરીવારને જોવા માટે ગામના લોકો ભેગા થઇ જતાં સિંહણ પરીવાર મારણ છોડી જતો રહ્યો હતો. જ્યારે ઘટનાની જાણ થતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈને પંચનામુ કરવામાં આવ્યું હતું. પરંતુ સિંહણ પરિવારને જોવા માટે ગામ લોકો દ્વારા વારંવાર રંજાડ થતાં ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. જ્યારે સિંહણ પણ રંજાડના કારણે ભડકેલી જોવા મળી હતી.
આ અંગેની વિગત મુજબ ગારિયાધારના પીપળવા ગામે ગુરૂવારે રાત્રિના સિંહણ અને તેની સાથે તેના 4 બચ્ચા દ્વારા ધર્મેન્દ્રસિંહ ગોહિલ ઘરની પાછળ વાડામાં બાંધેલી બે વાછડીનું મારણ કરવામાં આવ્યું હતું. વાછડીઓ ભાંભરવા માંડતા લોકો જાગી ગયા હતા. લોકોના ટોળા જામતા સિંહણ અને તેના ચાર બચ્ચા આ મરણ છોડીને જતા રહ્યા હતા. સિંહણના હુમલાથી બંને વાછડીના મોત થયા હતા.