બનાસકાંઠા: પશુપાલન એક ખૂબ સારો વ્યવસાય છે. આ વ્યવસાયમાં સારી એવી કમાણી થાય છે. કારણ કે પશુઓનું દૂધ અને છાણ પણ વેચીને કમાણી કરી શકાય છે. જોકે બનાસ ડેરી દ્વારા બાયો સીએનજી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જેમાં પશુપાલકો પશુઓનું છાણ વેચી આવક મેળવતા થયા છે. છેલ્લા 4 વર્ષમાં ડીસા તાલુકાના યાવરપુરા ગામના અર્જુનભાઇ જાટ પશુપાલકે સૌથી વધુ છાણ વેચીને 8 લાખ કરતા વધુની કમાણી કરીને પ્રથમ નંબર મેળવ્યો છે.
બનાસ ડેરી બાયો સીએનજી પ્લાન્ટ દ્રારા કરે છે છાણની ખરીદી
બનાસકાંઠાના ઘણા ખેડૂતો ખેતીની સાથોસાથ પશુપાલનનો વ્યવસાય પણ કર્ છે. એશિયાની નંબર વન ગણાતી બનાસ ડેરી પશુપાલકોને તેમના પશુઓના દૂધનું સારૂં વળતર આપે છે. જોકે બનાસ ડેરી દ્વારા 4 વર્ષ અગાઉ ડીસા ના દામાં નજીક બાયો સીએનજી પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો. જેમાં ડેરીએ પશુપાલકો પાસેથી એક રૂપિયા પ્રતિ કિલોના ભાવે છાણ ખરીદવાની શરૂઆત કરી હતી. ત્યારથી બાયો સીએનજી પ્લાન્ટ દ્વારા ડીસા તાલુકાના પાંચ ગામોમાંથી છાણ ખરીદવામાં આવે છે. આ પાંચ ગામના ખેડૂતો છાણ વેચીને વર્ષે લાખોની આવક મેળવી રહ્યા છે.
અર્જુન જાટ નામના પશુપાલકે વેચ્યું 8 લાખથી વધુનું છાણ
ડીસા તાલુકાના યાવરપુરા ગામના અર્જુનભાઇ બાબુલાલ જાટ(ઉ.30) નો પરિવાર વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો હતો. ખેતીમાં સારૂં ઉત્પાદન ન મળવાથી તેમણે છેલ્લા 12 વર્ષથી પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેમણે 2 પશુઓથી પશુપાલનની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તેઓ બનાસ ડેરીમાં પશુઓનું દૂધ ભરાવી સારી આવક મેળવતા હતા. ધીમે ધીમે તેમણે એક-એક કરીને 50 જેટલા પશુઓ ખરીદ્યા હતા. તાલુકામાં બાયો સીએનજી પ્લાન્ટ શરૂ થતા તેમણે પોતાના પશુઓનું છાણ ભરાવવાની શરૂઆત કરી હતી.
અર્જુનભાઈ જાટ દરરોજ 700થી 800 કિલો છાણ બાયો સીએનજી પ્લાન્ટમાં ભરાવે છે. છેલ્લા 4 વર્ષમાં તેમણે બાયો સીએનજી પ્લાન્ટમાં સૌથી વધારે 8 લાખ 90 હજારનું બાયો સીએનજી પ્લાન્ટમાં છાણ વેચીને પ્રથમ નંબર મેળવ્યો છે. આ રીતે અર્જુનભાઈ જાટ અન્ય ખેડૂતો અને પશુપાલકો માટે પ્રેરણારૂપ સાબિત થયા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર