IND vs AUS, Ravindra Jadeja : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં રવીન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી પોતાની ટેસ્ટ કારકિર્દીની 22મી અડધી સદી ફટકારી હતી. જાડેજાએ 77 રનની આ ઇનિંગ એવા સમયે રમી હતી કે, જ્યારે ભારતીય ટીમને તેની સૌથી વધુ જરૂર હતી. રોહિત શર્માના આઉટ થયા બાદ રવીન્દ્ર જાડેજા બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે રાહુલ સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી હતી. એક તરફ રાહુલ 86 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. પરંતુ જાડેજાએ ક્રિઝ પર જોરદાર પ્રદર્શન કર્યું હતું અને પોતાની અડધી સદી પૂરી કરવામાં સફળ રહ્યો હતો. અહીં તમને જણાવી દઈએ કે, વર્ષ 2017 પછીથી જાડેજા ટેસ્ટમાં 7મા અથવા તેનાથી નીચલા ક્રમ પર બેટિંગ કરતી વખતે સૌથી વધુ 50+ સ્કોર કરનાર ખેલાડી બની ગયો છે.
2017 પછીથી ટેસ્ટમાં 7મા અથવા તેનાથી નીચેના ક્રમના બેટર દ્વારા કરવામાં આવેલો સૌથી વધુ 50+ સ્કોર
રવીન્દ્ર જાડેજા- 15
નિરોશન ડિકવેલા – 12
આગા સલમાન – 11
ક્વિન્ટન ડી કોક- 11
એલેક્સ કેરી – 10
મેહદી હસન મિરાજ – 10
આવું કારનામું કરનાર જાડેજા એકમાત્ર ભારતીય ખેલાડી
આ સિવાય વર્લ્ડ ક્રિકેટમાં રવીન્દ્ર જાડેજા એવો માત્ર ત્રીજા ક્રિકેટર છે કે, જેણે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં 6 કે તેથી વધુ 50+ સ્કોર કરવાનો અને 75થી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેના પહેલા વિલ્ફ્રેડ રોડ્સ અને ઈયાન બોથમે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં આવું કારનામું કર્યું હતું. જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધીમાં કુલ 89 વિકેટ ઝડપી હતી. અને 6 વખત 50+ સ્કોર કરવામાં સફળ રહ્યો હતો. આવું કારનામું કરનાર તે હવે એકમાત્ર ભારતીય ખેલાડી બની ગયો છે.
ઈંગ્લેન્ડનો વિલ્ફ્રેડ રોડ્સે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં 10 વખત 50+ સ્કોર કરવામાં સફળ રહ્યો હતો, જ્યારે તેણે 109 વિકેટ ઝડપી હતી. આ સિવાય ઈયાન બોથમે ઓસ્ટ્રેલિયા સામે 10 વખત 50+ રન બનાવ્યા હતા. અને તે ઓસ્ટ્રેલિયા સામે 148 વિકેટ લેવામાં પણ સફળ રહ્યો હતો.
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચોમાં 6 વખત 50+ સ્કોર અને 75+ વિકેટ ઝડપનારા ખેલાડીઓ
વિલ્ફ્રેડ રોડ્સ
ઇયાન બોથમ
રવિ જાડેજા
આ પણ વાંચો : રોહિત અને કોહલીથી પણ આગળ નીકળ્યો રાહુલ, ગાબા ટેસ્ટમાં આબરુ બચાવી અને રૅકોર્ડ પણ બનાવ્યો
ભારતનું ટોપ ઓર્ડર ધરાશાયી
ગાબા ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના ટોપ ઓર્ડરના બેટરો સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યા હતા. પરંતુ કેએલ રાહુલે 86 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમીને ભારતને મુશ્કેલીમાંથી બહાર લાવ્યું હતું. અહીં તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 152 રન અને સ્ટીવ સ્મિથે 101 રન કર્યા હતા. તે બંનેની ઇનિંગ્સના આધારે ઓસ્ટ્રેલિયન ટીમ 445નો સ્કોર બનાવવામાં સફળ રહી હતી.