ઠાકોર સમાજના ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોર દ્વારા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ શેખાવત પણ આ સંમેલનમાં પહોંચ્યા હતા. વિધાનસભામાં ઠાકોર સમાજના અભિનેતાઓને આમંત્રિત કરવામાં ન આવ્યા જેના કારણે વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. સંમેલનમાં રાજ્ય સરકાર દ્વારા આમંત્રિત ન કરાયા હોવાને લઈને ચર્ચા તેજ હતી. જેમાં ઠાકોર સમાજની અવગણના કરવામાં આવી જેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી હતી.
‘વિધાનસભામાં આમંત્રણ કેમ નહીં?’
વિક્રમ ઠાકોરે ખુલ્લેઆમ રાજ્ય સરકાર પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, “વિધાનસભાના સત્રમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અન્ય કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા, પરંતુ ઠાકોર સમાજના કલાકારોને અવગણવામાં આવ્યા. તેઓએ કહ્યું કે, મેં મૃતપાય થયેલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જીવંત કરી છે, પરંતુ સરકાર અમને સન્માન આપવાની બદલે અવગણના કરે છે. આ હવેથી મંજૂર નહીં.”
સંમેલનમાં રાજ્ય સરકાર દ્વારા ઠાકોર સમાજને કોઈ પણ સરકારી ઇવેન્ટમાં આમંત્રણ આપવામાં આવતું નથી, તે મુદ્દે ઉગ્ર ચર્ચા થઈ. કાંકરિયા કાર્નિવલ હોય કે ગાંધીનગરની અન્ય ઇવેન્ટો, ઠાકોર સમાજના કલાકારો અને આગેવાનોને સન્માન મળતું નથી.
સમાજ એક થઈ લડવા મક્કમ: ‘અમે હવે લડી લેશું!’
સંમેલનમાં જોડાયેલા તમામ વક્તાઓએ એક જ અવાજ ઉઠાવ્યો – ઠાકોર સમાજની અવગણના હવે મંજૂર નહીં! રાજ શેખાવતે સ્પીચ આપતાં કહ્યું, “ક્ષત્રિય એકતા જિંદાબાદ! વિક્રમ ઠાકોર ગુજરાતી સિનેમાનો અમિતાભ બચ્ચન છે. જો તેમના જેવી પ્રતિભાને અવગણવામાં આવે, તો તે ઠાકોર સમાજનું અપમાન છે. હવે અમે સન્માન માટે લડીશું!”
વિક્રમ ઠાકોરને ગૃહમાં આમંત્રણ ન આપવાનો મામલો
કુડાસણ ખાતે ઠાકોર સમાજનું મળ્યું સંમેલન#GujaratiNews #BreakingNews #News18Gujarati pic.twitter.com/MlkYWBQ3Pn
— News18Gujarati (@News18Guj) March 16, 2025
ભરતજી ઠાકોરે કહ્યું, “આજે અમે એકત્ર થયા છીએ, પરંતુ ભવિષ્યમાં આ સંમેલન હવે એક મોટા આંદોલનમાં પરિણમશે.”
‘કલાકાર બનવું ગુનો છે?’ – ગોપાલજી ઠાકોર
ગોપાલજી ઠાકોરે ઠાકોર સમાજમાં કલાકારોની અવગણનાને લઇ ઉગ્ર વલણ દાખવ્યું. તેઓએ કહ્યું, “ઠાકોર સમાજમાં કલાકાર બનવું ગુનો છે? અમારું સન્માન તો દૂર, અમારી હંમેશા અવગણના કરવામાં આવે છે. જો સમાજ સંગઠિત નહીં થાય, તો ક્યારેય આગળ નહીં વધી શકે.” તેમણે ઉમેર્યું, “કોઈના હોંશિયાર બની ખીર-પૂરી ન ખાઓ, પોતાના પરિશ્રમથી ખીચડી કઢી ખાઓ!”
વિશ્વ સ્તરે ઠાકોર કલાકારોનું નામ ગુંજાવવું જોઈએ – કાજલ મહેરિયા
કાજલ મહેરિયાએ પણ આ સંમેલનમાં પોતાની ભીડ ભરાયેલી વાતો કરી. તેમણે કહ્યું, “મારો વિવાદ હંમેશા હાઈ લેવલે જાય છે, પણ હું અહીં મારા સમાજ માટે આવી છું. વિક્રમ ઠાકોર જે લડાઈ લડી રહ્યા છે, તેમાં હું તેમનું સમર્થન આપું છું.” તેમણે આ પ્રસંગે પોતાનું લોકપ્રિય ‘ક્ષત્રિય ઠાકોર’ ગીત પણ ગાયું, જેને ભારે પ્રોત્સાહન મળ્યું.
ઠાકોર સમાજ હવે મૌન નહીં રહે: આગામી રણનીતિ તૈયાર
આ સંમેલન માત્ર એક શરૂઆત છે. વિક્રમ ઠાકોરે સ્પષ્ટ કરી દીધું કે, “અમે હવે લડી લેશું! જો સરકાર અમારું સન્માન કરવા તૈયાર નહીં હોય, તો અમે પોતાનું હક છીનવી લઈશું.” આગામી સમયમાં વધુ મોટા સંમેલન અને આંદોલન યોજાશે. ઠાકોર સમાજ સંગઠિત થઈ સરકારને સવાલ પૂછશે – ‘અમારી અવગણના ક્યાં સુધી?’
Gandhinagar,Gujarat
March 16, 2025 8:56 PM IST