ધોરણ એક થી પાંચમાં શિક્ષકોની જગ્યા વધારવાની માંગ સાથે
૫ હજાર નહીં પરંતુ ૧૦ હજાર જગ્યા ભરવાની માંગ સાથે સૂત્રોચાર કરી રેલી યોજવામાં આવી
ગાંધીનગર : રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૫માં ૫ હજાર નહીં
પરંતુ ૧૦ હજાર શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે ટાટ-૧ ઉમેદવારો આજે ફરીથી ગાંધીનગર
આવી પહોંચ્યા હતા અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ધરણા કર્યા હતા . આ ઉમેદવારો
દ્વારા રેલી પણ યોજવામાં આવી હતી.
પાટનગર ગાંધીનગર શહેરમાં કોઈપણ પ્રકારનું વિરોધ પ્રદર્શન
કરવા કે રેલી માટે તંત્રની મંજૂરી લેવાની હોય છે પરંતુ સરકાર પાસે વિવિધ માગણીઓ
લઈને ઘણીવાર મોટી સંખ્યામાં ઉમેદવારો કે યુવાનો આવી પહોંચતા હોય છે ત્યારે આજે
ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ટેટ-૧ પાસ ઉમેદવારો પ્લે કાર્ડ સાથે આવી
પહોંચ્યા હતા અને સૂત્રોચાર કર્યા હતા કે,
રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧ થી ૫માં ૫,૦૦૦
જેટલા શિક્ષકોની ભરતી કરવાની છે તેની જગ્યાએ દસ હજાર જેટલા ઉમેદવારોની ભરતી
કરવામાં આવે. કેમકે રાજ્યમાં હાલ
બેરોજગારી ખૂબ જ છે અને ટેટ પાસ કરી ચૂકેલા ઉમેદવારો પાસે અન્ય કોઈ નોકરી નથી.
જોકે મંજૂરી વગર મોટી સંખ્યામાં ઉમેદવારો સચિવાલય સુધી પહોંચી જતા ગાંધીનગર પોલીસ
પણ દોડતી થઈ હતી. ઉમેદવારો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં હાલ
ધોરણ-૧ થી ૫માં ૧૬ હજાર કરતાં પણ વધુ જગ્યાઓ ખાલી હોવાનું આરટીઆઇ દ્વારા જાણવા
મળ્યું છે ત્યારે સરકાર શું કામ યુવાનોને નોકરી આપવા માંગતી નથી તે સમજાતું નથી.
ઉમેદવારો દ્વારા અહીં બેસીને ધરણા કરવામાં આવ્યા હતા અને સરકાર જ્યાં સુધી માંગણી
નહીં સ્વીકારે ત્યાં સુધી અવારનવાર ગાંધીનગરમાં આવીને આ પ્રકારના વિરોધ પ્રદર્શન
કરવામાં આવશે તેમ જણાવ્યું છે.