મૃત ગૌ વંશ નું યોગ્ય નિકાલ કરવાનાં બદલે તેને કાપી ગૌમાંસનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યુ
ગાંધીધામ: ગાંધીધામનાં નવી સુંદરપુરી વિસ્તારમાં રહેતા પિતા – પુત્ર મૃત ગૌ વંશ નું નિકાલ કરવાનાં બદલે પોતાના ઘરે લઈ જઈ તેને કાપી ગૌમાંસનો વેચાણ કરતા પોલીસે રંગે હાથ ઝડપી પાડયા છે. બે આરોપી પિતા – પુત્રનાં ઘરમાંથી પોલીસે કુલ ૮૭.૪૬૫ કી.ગ્રામ ગૌમાંસ કબ્જે કર્યો છે. તેમજ મીઠીરોહરની સીમમાં રહેતા શખ્સનાં રૂમમાંથી પણ પોલીસે વેચાણ અર્થે રાખેલો ૧૪.૨૪૫ કી.ગ્રામ ગૌમાંસ ઝડપી પાડયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામનાં નવી સુંદરપુરી વિસ્તારમાં રહેતા બે ઈસમો કરસનભાઈ માવજીભાઈ પાતારીયા અને તેમનો દિકરો અનિલભાઈ કરશનભાઈ પાતારીયા મૃત ગૌ વંશ પશુઓને યોગ્ય જગ્યા પર નિકાલ કરવાનાં બદલે પોતાના ઘરે લઈ જઈ તેને કાપી અને ગૌમાંસ નો વેચાણ કરી રહ્યા છે. જે સચોટ બાતમી આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે નવી સુંદરપુરીમાં ગણેશ મંદિર પાછળ આરોપી કરશનનાં ઘરે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે તેમના ઘરમાંથી વેચાણ અર્થે રાખેલો ૮૭.૪૬૫ કી.ગ્રામ ગૌમાંસ ઝડપી પાડયો હતો. જેમાં પોલીસે આરોપી કરશનની પૂછપરછ કરતા માલુમ પડયું હતુ કે, આરોપીએ અન્ય બે શખ્સોને આ ગૌમાંસનો વેચાણ કર્યો છે. જેથી પોલીસે ગાંધીધામનાં મીઠીરોહર સીમમાં આવેલી આરઝૂ પ્લાયવુડ કંપનીમાં રહેતા મૂળ બંગાળનાં અમીરુલ અઝર મંડલનાં રૂમ પર દરોડો પાડતા રૂમમાંથી ૧૪.૨૪૫ કી.ગ્રામ ગૌમાંસ મળી આવ્યો હતો. જેથી પોલીસે બે અલગ અલગ દરોડામાં કુલ ત્રણ શખ્સોનાં કબ્જામાંથી કુલ ૧૦૧.૭૧ ગૌમાંસ ઝડપી પાડયો હતો. જેમાં પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.