- બજાજ ફાઈનાન્સમાંથી 8 લોકો હપ્તા મુદ્દે યુવાનને ઘરે ધસી આવ્યા હતા
- આરોપીએ યુવાનની માતાના વાળ પકડી બારીના કાચમાં માથુ ભટકાવ્યું
- મારામારીમાં ત્રણેય માતા, પુત્રોને ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા
શહેરના ભારતનગરની નવદુર્ગા સોસાયટીમાં રહેતા યુવાને મોબાઈલનો છેલ્લો હપ્તો ન ભરતા બજાજ ફાઈનાન્સમાંથી 8 ઈસમો તેના ઘેર ધસી ગયા હતા. આરોપીએ યુવાનની માતાના વાળ પકડી બારીના કાચમાં માથુ ભટકાવ્યું હતું, ત્યારબાદ બે ભાઈઓ પર હુમલો કરી દીધો હતો તેમજ બજારમાં જઈ મરેલી ગાયો ઉપાડો, હપ્તો અમે ભરી દેશુ તેમ કહિ અપમાનીત શબ્દો કહ્યા હતા. આ ઘટના અંગે પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
મોબાઈલનો છેલ્લો હપ્તો ભરવાનો બાકી રહેતા ઈસમો ઘસે ધસી આવ્યા
ગાંધીધામ એ ડિવિજન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત શુક્રવારના બપોરના 12 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. શહેરના ભારતનગર મધ્યે નવદુર્ગા સોસાયટીમાં રહેતો જગદિશ ડાયાલાલ કોચરા (મહેશ્વરી)એ બજાજ ફાઈનાન્સમાંથી હપ્તે મોબાઈલની ખરીદી કરી હતી, પરંતુ છેલ્લો હપ્તો ભરવાનો બાકી રહી ગયો હતો, જેથી બજાજ ફાઈનાન્સ ગાંધીધામ બ્રાન્ચમાં કામ કરતા રાહુલસિંહ, પ્રદિપસિંહ, રાજવિરસિંહ, ભરતસિંહ અને અન્ય ચાર અજાણ્યા ઈસમો તેના ઘરે ધસી આવ્યા હતા.
8 શખસો સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
આરોપીએ ઘેર જઈ યુવાનનો ભાઈ નરેશ, માતા કેશરબેન તથા પિતા ડાયાલાલ સાથે માથાકુટ કરી હતી, જેથી જગદીશ ત્યાં આવી જતા આરોપીએ બોલાચાલી કરી હુમલો કરી દીધો હતો. આરોપીએ બાઈકમાંથી લાકડી કાઢી જગદિશ અને તેના ભાઈ નરેશને માર માર્યો હતો. માતા કેશરબેન વચ્ચે પડતા એક ઈસમે તેમના વાળ પકડી બારીના કાચમાં માથુ ભટકાવ્યું હતું, જેથી કાચ તુટી ગયો હતો. આરોપીએ અપશબ્દો બોલી કહ્યું કે, જો મોબાઈનો હપ્તો ન ભરવો હોય તો બજારમાં જઈ મરેલી ગાયો ઉપાડો, અમે મોબાઈલનો હપ્તો ભરી નાખીશું, તેમ કહી અપમાનીત શબ્દો કહ્યા હતા. ત્યારબાદ આરોપી પલાયન થઈ ગયા હતા. મારામારીમાં ત્રણેય માતા, પુત્રોને ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. જે અંગે પોલીસે આઠેય ઈસમો સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.