- જે હોટેલમાંથી બેકાર બન્યો તેના માલિકની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યાં
- 92 કરોડની 11 મિલકતો પર બેંકોમાંથી 376 કરોડની લોન ચાંઉ કરી
- દેવળિયા ગામના જમીન કૌભાંડના પણ તાર જોડાયા હતા
હાલ કરોડોમાં રમી રહેલો મહાઠગ સંજય શેરપુરિયા લગભગ ત્રણ દાયકા પહેલાં ઉત્તરપ્રદેશથી ગાંધીધામમાં નોકરીની શોધમાં ભટકતો હતો અને આખરે શહેરના ચાવલા ચોકમાં આવેલી મરિના હોટલમાં રૂમબોય તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે, કોઈ કારણસર હોટલ બંધ થઈ જતાં માલિકે સંજયને પોતાના અન્ય વ્યવસાય અને ઘરકામમાં મદદ માટે નોકરીમાં રાખી લીધો હતો. આ દરમિયાનમાં શેઠની દીકરી કંચન ચેલાણી સાથે સંજયની આંખ મળી જતાં બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા.ત્યારબાદ કેરોસીનના કાળા કારોબારમાં મોટી રકમ કમાવીને મિલકતો ઊભી કરી હતી. આ ઉપરાંત વર્ષ 2005માં અંજાર તાલુકા દેવળિયા ગામે કંડલા એનર્જી એન્ડ કેમિકલ કંપની શરૂ કરી હતી, જેની મુખ્ય ઓફિસ અમદાવાદમાં હતી. આ દરમિયાનમાં ગાંધીધામની બીબીઝેડ સાઉથમાં આવેલી એક સહિત કુલ 11 જેટલી મિલકતોની ચોક્કસ લોકો સાથે સાંઠગાંઠ કરીને બેંકોમાંથી 376 કરોડની લોન લઈને ચાઉં કરી ગયો છે.
દેવળિયા ગામના જમીન કૌભાંડના પણ તાર જોડાયા હતા
સંજયે કંડલા એનર્જી એન્ડ કેમિકલ કંપની બનાવી હતી, તે દેવળિયા ગામમાં જમીન કૌભાંડ સંદર્ભે વર્ષ 2013માં અંજાર પોલીસ મથકમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. જે જમીન કેસમાં પણ સંજયના તાર જોડાયેલા હોવાનું તત્કાલીન સમયે ચર્ચામાં આવ્યું હતું. જોકે, મહાઠગ બધા કારાસ્તાન સિફ્તપૂર્વક પાર પાડતો હોવાથી કાગળ પર પ્રાથમિક દૃષ્ટિએ તેની સીધી સંડોવણી પ્રકાશમાં આવી ન હતી.