- ગણેશ વિસર્જન અવસર બન્યો ગોઝારો
- સાબરમતીમાં 2 યુવાનો ડૂબતા મોત
- ખંભાતમાં પણ 2 યુવાનો ડૂબ્યા
આજે અનંત ચતુર્દશીનો દિવસ હોઈ ગુજરાતમાં અનેક જગ્યાએ ભક્તો ગણપતિ બાપ્પાના વિસર્જન માટે પહોંચ્યા હતા. અનેક જગ્યાએ ગણપતિ વિસર્જનમાં જોકે દુર્ઘટનાઓ સર્જાઈ હતી. જેનો અમુક હતભાગીઓ ભોગ પણ બન્યા હતા.
ખંભાતમાં ગણેશ વિસર્જન કરતા સમયે એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 2 લોકો મોતને ભેટ્યા હતા. માહિતી પ્રમાણે બાપ્પાની પ્રતિમા વીજ વાયરને અડી જતાં આ દુર્ઘટના સર્જાવા પામી હતી. જેમાં ગણેશજીની પ્રતિમા વીજતારને અડી જતા 5 લોકો દાઝ્યા હતા. આ ઘટના નવસર્જન સિનેમા પાસે બની હતી. હાલ હજુ પણ 3 માણસો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત પાવાગઢમાં પણ ગણેશ વિસર્જન દરમિયાન ક્રેઈનનો પટ્ટો તૂટ્યો હતો. જેના લીધે 2 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. વડાતળાવ પાસે ગણપતિ બાપ્પાના વિસર્જન વખતે આ ઘટના બનવા પામી હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી પ્રમાણે ક્રેઈન તૂટવાની ઘટના બની ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા, મોટી દુર્ઘટના બની શકે તેમ હતી, જો કે સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ હતી. ઘાયલોને હાલમાં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
દાહોદના નવાગામ ખાતે ખાન નદીમાં બાપ્પાનું વિસર્જન કરવા ગયેલો યુવક ડૂબ્યો હતો. મૂર્તિ વિસર્જન કર્યા બાદ પાછળ રહી ગયેલો 18 વર્ષીય યુવાન ડૂબ્યો હતો. જો કે અન્ય યુવાનોએ તેને સંભાળી લીધો હતો અને ડૂબતા બચાવ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આવી જ એક ઘટનામાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગળતેશ્વર પાસે સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન કરવા આવનાર 2 યુવાનો ડૂબી ગયા હતા. પ્રાંતિજના તાજપુર અને ગાંધીનગરના પીપરોજના 2 યુવાનો ડૂબ્યા હતા. ફાયર ટીમ દ્વારા બંને યુવાનોના મૃતદેહો શોધીને બહાર કાઢવામાં આવ્યા હતા.