- કેસરીયા વાતાવરણ વચ્ચે લોકોમાં અભૂતપૂર્વ થનગનાટ
- 75 જેટલા વાહનો અને 50 જેટલા ફલોટસ આકર્ષણ જમાવશે
- 100 મણના કઠોળના પ્રસાદનું વિતરણ કરાશે
ગઢડા (સ્વામીના) ખાતે જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા પરંપરાગત આયોજીત આગામી 29 મી રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓ આખરી તબક્કે પહોંચવા પામેલ છે. સમગ્ર જિલ્લામાં આકર્ષણના કેન્દ્ર સમાન ગઢડાની રથયાત્રા માટે કેસરીયા વાતાવરણ વચ્ચે લોકોમાં અભૂતપૂર્વ થનગનાટ જોવા મળી રહ્યો છે.
આ રથયાત્રા 1 જૂલાઈ શુક્રવારે અષાઢી બીજના રોજ શહેરના અંબાજી ચોક, મઘરપાટ વિસ્તારમાંથી બપોરે 2-00 કલાકે સંતો અને અગ્રણીઓના હસ્તે પ્રસ્થાન કરશે. ત્યારબાદ, પરંપરાગત સવા બે કીલોમીટરના રૂટ મુજબ કુંભાર શેરી, વાઢાળા ચોક, માણેક ચોક, ગોપીનાથજી દેવ મંદિર, ટાવર ચોક, બોટાદ ઝાંપા, નગર પાલિકા, પોલીસ લાઈન, હાઈસ્કૂલ ચાર રસ્તાથી મોહનભાઈના બાવલા પાછળ થઈને જીન નાકાથી અંબાજી ચોક ખાતે સાંજે 8-30 કલાકે વિસર્જિત થશે.
આ રથયાત્રા દરમિયાન આશરે 75 જેટલા વાહનો નો કાફલો અને 50 જેટલા રંગદર્શી ફલોટસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તેમજ સુભદ્રાજી, બળદેવજી અને જગન્નાથજીની રથ સવારીના દર્શન તથા હાથેથી દોરડા વડે રથ ખેંચીને ચલાવવા માટે ભાવિક ભકતો લાભ લેશે. આ ઉપરાંત સમગ્ર રથયાત્રા માં 6 જેટલા ડી.જે. બેન્ડ, મીઠુ બેન્ડ તથા વિવિધ રાસ મંડળીઓ, અખાડાના દાવ કરતબો, જુનિયર ફિલ્મી સ્ટારો, બેડા નૃત્ય અને બાળકો માટે મીની ટ્રેન વિગેરે આયોજનો લોકો માટે અનેરૂં આકર્ષણ જમાવશે.
આ રથયાત્રા દરમિયાન 100 મણ જેટલા કઠોળની ચણા, મગ અને મઠની પ્રસાદીનું વિતરણ તેમજ શહેરીજનો અને મંડળો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં રથયાત્રાના રૂટ ઉપર ચા-પાણી, નાસ્તા અને શરબતના સ્ટોલ ઉભા કરવામાં આવશે. રથયાત્રાના અંતે રંગદર્શી ફલોટના આયોજક મંડળોને નિર્ણાયકોના નિર્ણય બાદ વિજેતા ક્રમાંક મુજબ રોકડ રકમ તથા ટ્રોફી દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે. આ ભવ્ય રથયાત્રાને વધુમાં વધુ સફળ અને રંગદર્શી બનાવવા માટે રથયાત્રા સમિતિ ઉપરાંત જુદા જુદા મંડળો અને સ્વયંસેવકો દ્વારા હાથ ધરવામાં આવેલી તૈયારીઓ આખરી તબક્કે પહોંચવા પામેલ છે. આ રથયાત્રામાં જીણવટ પૂર્વક જરૂરી બાબતે કાળજી લેવા માટે પ્રશાસન દ્વારા સંકલન હાથ ધરવામાં આવતા નગર પાલિકા, પી.જી.વી.સી.એલ. તથા જિલ્લા અને સ્થાનિક પોલીસ ટીમ તથા કલેકટર અને મામલતદાર સ્ટાફ સહિતના વિભાગો દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવેલ છે.