- દેવ પક્ષના 4 અને આચાર્ય પક્ષના 3 ટ્રસ્ટીઓ ચૂંટાયેલા જાહેર થયા હતા
- છેલ્લા ચાર વર્ષથી પેન્ડિંગ વિવાદ ઉકેલવા એપ્લિકેશન થઈ હતી
- ત્રણ માસમાં ઉકેલવા સુપ્રીમ કોર્ટે નિર્દેશ કરતા દૂધનું દૂધ અને પાણીનું પાણી નક્કી
ગઢડા(સ્વામીના) ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટ ટેમ્પલ બોર્ડની ચૂંટણી ગત તા.5-5-2019 ના રોજ યોજાઈ હતી. જેમાં દેવ પક્ષના ચાર ટ્રસ્ટી અને આચાર્ય પક્ષના ત્રણ ટ્રસ્ટીઓ ચૂંટાયેલા જાહેર થતા દેવપક્ષે વહીવટ સંભાળ્યો હતો. આ ચૂંટણી દરમિયાન આચાર્ય પક્ષ તરફ્થી ચૂંટણીમા મતદાર યાદીમાં ગેરરીતિ અને લાયકાત નહીં ધરાવતા ઉમેદવારનું ફેર્મ માન્ય રાખવામાં આવ્યુ હોવાનું વિગેરે આક્ષેપો સાથે કાનૂની લડાઇ કરતા સુપ્રીમ કોર્ટમાં ધા નાખતા ટેમ્પલ બોર્ડની ચૂંટણી પછી પણ કાવાદાવા શરૂ રહયા છે. ટેમ્પલ બોર્ડની ચૂંટણીનો વિવાદ ત્રણ માસમાં ઉકેલવા સુપ્રીમ કોર્ટે નિર્દેશ કરતા દૂધનું દૂધ અને પાણીનું પાણી નક્કી થઈ જશે તેમ એસ.પી સ્વામી તરફ્થી જણાવવામાં આવ્યું હતું.
આ અંગેનો ફરફર રિપોર્ટ આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર બોટાદમાં રજૂ કરવામાં આવેલ અને બોટાદના આસી. ચેરિટી કમિશનરે ફરફર રિપોર્ટ નહી ચલાવતા ફરફર રિપોર્ટ રાજકોટ મુકામે ટ્રાન્સફર કરી દીધેલ અને છેલ્લા ચાર વર્ષથી ફરફર રિપોર્ટ રાજકોટ મુકામે પેન્ડિંગ છે. જેમાં ટ્રસ્ટની ચૂંટણીમાં મતદાર યાદીમા ખોટા મતદારો ઊભા કરી યાદીમાં ભેળવી દેવામાં આવેલ હોવાનું અને મત ગણતરી પણ નિયમો વિરુદ્ધ કરી ખોટી રીતે ચૂંટાયેલા ઉમેદવારોને હારેલા જાહેર કરેલ હોવા બાબતે રિકાઉટીંગ પણ માગવામાં આવ્યું હતું. તેમજ દેવપક્ષના હરિજીવનદાસજી ગઢડા મંદિરની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે તેમ ન હતા છતાં તેમનું ફેર્મ મંજુર કરેલ વિગેરે ગંભીર મુદ્દાઓ ઇલેક્શન પિટિશનથી આસી. ચેરીટી કમિશનર રાજકોટ સમક્ષ રજૂ કરવામાં આવેલ.