- નીંગાળા રેલવે સ્ટેશન પર પિતા-પુત્ર અને 2 પુત્રીનું મોત
- ભાવનગરથી ગાંધીગ્રામ જતી ટ્રેન આગળ પડતું મૂક્યું
- આત્મહત્યા કરી મોતને ભેટ્યા હોવાનું અનુમાન
બોટાદ જિલ્લામાં આવેલા ગઢડાના નીંગાળા રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના બની છે. બોટાદના નિગાળા રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.
ભાવનગરથી ગાંધીગ્રામ જતી ટ્રેન આગળ 4 લોકોએ પડતું મૂક્યું
ગઢડા તાલુકાના નિંગાળા ગામે રેલ્વે ટ્રેક ઉપર ઝંપલાવીને એકજ પરિવારના 4 વ્યક્તિઓએ આત્મહત્યા કરી લેતા ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ મૃતકોમાં પિતા, પુત્ર અને બે પુત્રી સહિત એકજ પરિવારના ચાર વ્યક્તિઓએ આત્મ હત્યા કરી છે. આ ઘટનાના પગલે રેલ્વે પોલીસ અને ગઢડા પોલીસ સહિતે ઘટના સ્થળે પહોંચી મૃતદેહની ઓળખ કરવા અને પી.એમ. માટે કાર્યવાહી હાથ ધરી હતી.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ ગઢડાના નિંગાળા ગામે મોડી સાંજે 6-30 વાગ્યાની આજુબાજુ ભાવનગરથી ગાંધીગ્રામ તરફ જતી ટ્રેન નંબર 09216 હેઠળ મૃતકોએ ઝંપલાવતા કમકમાટીભર્યા મોત નિપજયા હતા. આ મૃતકોની ઓળખ થતા ગઢડા તાલુકાના નાના સખપર ગામના દલિત પરિવારના પિતા મંગાભાઈ વાઘાભાઈ વિંઝુડા તથા યુવાન પુત્ર જીગ્નેશ અને યુવાન પુત્રીઓ રેખાબેન તથા સોનલબહેન હોવાનુ જાણવા મળ્યુ છે. આ આત્મહત્યાનુ કારણ હજુ સુધી અકબંધ રહેતા તંત્ર દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મૃતક મંગાભાઈ અંદરો અંદર કોઈ ઝઘડાના પોલીસ કેસમાં ચાર દિવસ પહેલા છૂટીને આવ્યા હોવાનુ ગ્રામજનો પાસેથી જાણવા મળ્યુ હતુ.
પાંચ-સાત દિવસ પહેલાજ મૃતક પિતા જામીન ઉપર છૂટ્યા હતા
સમગ્ર ઘટનાને પગલે જાણવા મળતી વિગત અનુસાર મૃતક મંગાભાઈ ઉપર ઓગસ્ટ મહિનામાં પોતાના સગા નાનાભાઈને મારવા બાબત આઈ.પી.સી. 307 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જેના કારણે પોણા ચાર મહિના જેટલો સમય ભાવનગર જેલમાં વિતાવી હજુ પાંચ-સાત દિવસ પહેલાજ જામીન ઉપર છૂટીને આવ્યા હતા. તેમજ પરિવારમાં પોતે તથા એક પુત્ર અને પુત્રી સાથે રહેતા હતા. એક અનુમાન મુજબ આત્મહત્યાના પગલા પાછળ કોર્ટ કેસ અને જેલ વિગેરે બાબતોથી પરિવાર નોધારો થઈ જવાનુ અને સામાજિક આર્થિક સંકડામણ જેવી બાબતો કારણભૂત હોવાની શક્યતા હોય તેવુ પ્રાથમિક માહિતી સામે આવી છે.