અમદાવાદ: શહેરની ખ્યાતિ હોસ્પિટલનો કાંડ આજે સંસદમાં (રાજ્યસભા) ગૂંજ્યો છે. ગુજરાત કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે રાજ્યસભાના શૂન્યકાળમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ સીબીઆઈને આપવી જોઈએ તેવી માંગ કરી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, સ્થાનિક સરકારની મિલીભગત વિના હોસ્પિટલ વહીવટીતંત્ર આટલો મોટો કાંડ કરી શક્યું ન હોત. આની તપાસ થવી જોઈએ.
‘કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનું સુઆયોજિત કાવતરું’
રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં માનવ જીવન સાથે રમત રમીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનું સુઆયોજિત કાવતરું ઘડવામાં આવ્યું છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના લોકો ગામડે જઈને ગરીબોને ફ્રી મેડિકલ કેમ્પના નામે બોલાવતા હતા. ગરીબો આવે તેમને કહેતા હતા કે, તમારા હાર્ટમાં તો બ્લોકેજ છે કાલે ખ્યાતિ હોસ્પિટલ આવી જજો.
इंसानों की जिंदगी के साथ खिलवाड़ कर करोड़ों रुपए के भ्रष्टाचार की एक सोची समझी साजिश की गई है।
अहमदाबाद के ख्याति अस्पताल के लोग गांव में जाकर फ्री मेडिकल कैंप के नाम पर गरीबों को बुलाते थे।
हार्ट में ब्लॉकेज का डर दिखाकर, बिना जरूरत, गरीब लोगों की एंजियोग्राफी करते और स्टेंट… pic.twitter.com/yEmUdNHDmH
— Congress (@INCIndia) December 3, 2024
‘મુખ્ય આરોપી વિદેશ ભાગી ગયો’
આ સાથે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે, જે દર્દીને હાર્ટની સર્જરીની કોઈ જરૂરત નથી તેની એન્જીયોગ્રાફી કરાવતા અને સ્ટેન્ટ મૂકતા. આ રીતે તેમણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા કરોડો રૂપિયા ભેગા કર્યા છે. આ કાંડમાં બે લોકોના મોત થયા છે અને ગામના કેટલાય લોકોને ICUમાં દાખલ કરાયા હતા. જે બાદ સરકાર જાગી અને તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે આ લોકોએ વારંવાર આ રીતે કરીને કરોડો રૂપિયા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી લઈ લીધા છે. અને જેને કોઈ પણ જરૂર ન હોય તેની એન્જીયોપ્લાસ્ટી કરી નાખી હતી. બે વર્ષ પહેલા પણ આમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જો ત્યારે જ સકારે કાર્યવાહી કરી હોત તો ફરી આવું ન થાત. આનો મુખ્ય આરોપી વિદેશ ભાગી ગયો છે.
ગુજરાતના તમામ સમાચાર અહીં ક્લિક કરીને વાંચો.
‘આ કેસમાં સીબીઆઈની તપાસ કરાવો’
શક્તિસિંહે વધુમાં કહ્યું કે, સ્થાનિક સરકારની મિલીભગત વિના હોસ્પિટલ વહીવટીતંત્ર આ કરી શક્યું ન હોત. આની તપાસ થવી જોઈએ. સરકારને અપીલ છે કે, રાજકારણથી ઉપર આવીને આની તપાસ કરાવો. મારી માંગ છે કે, આ કેસમાં સીબીઆઈની તપાસ કરાવો.
જાણો આખો મામલો
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ આ અંગે જણાવ્યુ હતુ કે, તારીખ 12 નવેમ્બરના રોજ આરોગ્ય વિભાગ દ્વારા યુ.એન.મહેતાના કાર્ડિયોલોજિસ્ટ, સોલા સિવિલ હોસ્પિટલના તજજ્ઞો તેમજ PMJAY-મા યોજના હેઠળની SAFU(સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ)ના તપાસ સમિતિની રચના કરાઈ હતી. આ સમિતિએ ખ્યાતિ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ જે ક્ષતિઓ જણાઈ તે રિપોર્ટ આરોગ્ય વિભાગને રજૂ કર્યો હતો. જેમાં પ્રારંભિક તબક્કે જાણવા મળ્યું છે કે, ખ્યાતિ હોસ્પિટલની ટીમ દ્વારા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાલિસણા ગામે આરોગ્ય કેમ્પ કરીને 19 જણાને અમદાવાદ સ્થિત હોસ્પિટલ ખાતે સર્જરી માટે લાવવામાં આવ્યા હતા. જેમાંથી 19 દર્દીઓની એન્જીયોગ્રાફી અને તેમાંથી 7 દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરાઈ હતી. આ 7 દર્દીઓ પૈકી 2 દર્દીઓનું દુ:ખદ મૃત્યુ નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનામાં કમિટીને ગુનાહિત કૃત્ય અને મેડિકલ બેદરકારી જણાઈ આવતા રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ સંદર્ભે ગેરરીતિ બદલ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. અમદાવાદ સ્થિત ખ્યાતિ હોસ્પિટલને પી.એમ.જે.વાય-મા યોજનાની માર્ગદર્શિકા અનુસાર કાયમીપણે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. આ ઘટના સંદર્ભે ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલ ડૉક્ટર રાજ્યની અન્ય કોઈ પણ હોસ્પિટલમાં કામ કરી શકશે નહીં. હોસ્પિટલના માલિક, ટ્રસ્ટી અને અન્ય હોસ્પિટલ સાથે સંલગ્ન હશે તો તે હોસ્પિટલની પણ PMJAY માન્યતાની ચકાસણી કરી તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર