ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડના મામલે કડીના બોરીસણામાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. બોરીસણાના ગ્રામજનો રસ્તા પર ઉતર્યા છે અને ગ્રામજનોએ મુખ્ય માર્ગ પર ભારે ચક્કાજામ કર્યો છે.
મુખ્ય માર્ગ ચક્કાજામ કરાતા અઢી કિલોમીટર સુધી ટ્રાફિકજામ
આ કેસમાં યોગ્ય તપાસ ન થતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો રસ્તા પર ઉતર્યા છે અને ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. ગ્રામજનોએ રસ્તા પર ઉતરીને રોષ વ્યક્ત કર્યો. ત્યારે આ ચક્કાજામ કરવામાં આવતા રોડ પર અઢી કિલોમીટર સુધી ટ્રાફિકજામ થઈ ગયો છે અને વાહનચાલકો પરેશાન થઈ ચૂક્યા છે.
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્શનમાં
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલ પણ એક્શન મોડમાં આવ્યું છે અને મેડિકલ કાઉન્સિલે ખ્યાતિ હોસ્પિટલને નોટિસ ફટકારી છે અને 7 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. મેડિકલ કાઉન્સિલે ખ્યાતિ હોસ્પિટલ સામે તપાસ પણ શરૂ કરી દીધી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને આ અંગે રજૂઆત કરશેય. સાથે જ આવા તબીબો સામે કાર્યવાહી કરવા માટે પણ રજૂઆત કરાશે. ડો.પ્રશાંત વજીરાણી સહિતના તબીબોની તપાસ કરાશે. ગુજરાત મેડિકલ કાઉન્સિલના સભ્ય મેહુલ શાહે નિવેદન આપતા કહ્યું કે આવા અન્ય તબીબો હશે તો પગલાં લેવાશે, આવા તબીબો સામે મેડિકલ કાઉન્સિલ પગલાં લેશે.
પોલીસે ડોક્ટર પ્રશાંત વજીરાણીની કરી ધરપકડ
તમને જણાવી દઈએ કે ગઈકાલે મોડી રાત્રે આ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે અને આરોપી ડો. પ્રશાંતનું સોલા સિવિલમાં મેડિકલ ચેકઅપ થયું છે. મેડિકલ ચેકઅપ બાદ હવે 4 વાગ્યે આરોપીને કોર્ટમાં રજૂ કરાશે.
ખ્યાતિ હોસ્પિટલના કાતિલો સામે ફરિયાદ
ખ્યાતિ હોસ્પિટલના કાતિલો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં એક ફરિયાદ આરોગ્ય વિભાગે નોંધાવી છે, બીજી ફરિયાદ દર્દીઓએ નોંધાવી છે. સપરાધ માનવ વધનો ગુનો દાખલ કરાયો છે. બોગસ દસ્તાવેજ ઉભા કરી કાવતરુ રચવા મુદ્દે ફરિયાદ થઈ છે. ત્યારે BNS કલમ 105, 110, 336, 318, 61 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડો.પ્રશાંત વજીરાની, કાર્તિક પટેલ, સંજય પટોલીયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.