બનાસકાંઠા: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. તદ્દન નજીવા ખર્ચે થતી પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ એક વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. બનાસકાંઠામાં પણ અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. ત્યારે પાલનપુર તાલુકાના ઢેલાણા ગામના ખેડૂત ભીખાભાઈ ગોળ છેલ્લા સાત વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતરને અનુરૂપ મોડેલ ફાર્મ બનાવ્યું છે. ખેડૂત ઓછા ખર્ચે સારી આવક મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થયા છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ઢેલાણા ગામના 65 વર્ષના ખેડૂત ભીખાભાઈ કાનજીભાઈ ગોળ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમણે BSC સુધી અભ્યાસ કરેલો છે. વર્ષોથી તેમનો પરિવાર ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે. 7 વર્ષ પહેલા તેમનો પરિવાર જૈવિક અને રાસાયણિક પદ્ધતિ પ્રમાણે ખેતી કરતા હતા, પરંતુ તેના કારણે જમીન બંજર થતી હતી. જમીન બંજર થતાં અન્ય ખેતી ખર્ચમાં ખૂબ જ વધારો થતો હતો.
રાસાયણિક ખેતીના કારણે વધી રહેલી બીમારીઓના કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ રહ્યું છે. વર્ષ 2016-17માં ડીસા ખાતે સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમ મેળવ્યા બાદ ભીખાભાઈ ગોળ છેલ્લા સાત વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આવું કરતા તેઓ અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેઓએ પોતાની એક એકર જમીનમાં ખેતીનું પ્રાકૃતિક મોડેલ ફાર્મ બનાવ્યું છે.
ઢેલાણા ગામના ભીખાભાઈ ગોળ છેલ્લા સાત વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તો કરે જ છે સાથે જ આ વર્ષે તેઓએ પોતાના એક એકર ખેતરમાં પંચસ્તરીય મોડેલ ફાર્મ બનાવ્યું છે. જેમાં 284 જેટલા ફળફળાદી રોપા જેમાં આંબા, નારિયેળ, ચીકુ, ખારેક, ફણસ, રામફળ, જામફળ, આબળા, લીંબુ, સંતરાં, મોસંબી, સીતાફળ, કાજુ, દાડમ, પપૈયા, કેળાના રોપા વાવ્યા છે. તેમજ શાકભાજી અને ઘાસચારામાં હળદર, તુવેર, રીંગણ, ગવાર, ભીંડા, મરચી, ચોળી, ટામેટા, કારેલા, કાકડી, તુરીયા, ગલકા, દૂધી તેમજ ઘાસચારામાં ઓટ, રજકો, બાજરી, ચોળીનું એક એકરમાં વાવેતર કરાયું છે.
આ વર્ષે કેટલો ખર્ચ કર્યો અને કેટલી આવક મેળવી?
ભીખાભાઈ ગોળે જણાવ્યું હતું કે, તેમને સરકાર તરફથી દેશી ગાય નિભાવ અને મોડેલ ફાર્મ સ્થાપવા માટે કુલ રૂ. 45,900ની સહાય મળી હતી. ચાલુ વર્ષે તેમણે પોતાના ખેતરમાં શાકભાજી, ઘાસચારો અને અનાજનું વાવેતર કર્યું હતું જેમાં તેમને કુલ રૂ. 51,850નો ખર્ચ થયો હતો. આ ખર્ચની સામે તેમણે રૂ. 1,19,275નો ચોખ્ખો નફો મેળવ્યો હતો. અને હજુ પણ તેઓ આગામી સમયમાં અલગ અલગ રોપામાંથી ઉત્પાદન મેળવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પંચસ્તરીય મોડેલ ફાર્મમાંથી હું દરરોજની આવક મેળવું છું જેથી આ મારું મોડેલ ફાર્મ ATM જેવું સાબિત થઈ રહ્યું છે.
ઢેલાણા ગામના ભીખાભાઈ ગોળ છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક પદ્ધતિ પ્રમાણે ખેતી કરી રહ્યા છે સાથે જ જિલ્લાના ખેડૂતો તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને પણ પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવાનું પણ કાર્ય કરે છે. અત્યારે પોતાના ખેતરમાં પંચસ્તરીય મોડેલ ફાર્મ બનાવ્યું છે અને તેઓ દરરોજની આ ખેતરમાંથી આવક મેળવી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ પોતાના ખેતરમાં રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા અને આવું પંચસ્તરીય મોડેલ ફાર્મ બનાવવા માટે આહ્વાન કરી રહ્યા છે જેથી ઓછા ખર્ચે તેમને વધુ આવક થઈ શકે અને દરરોજ ખેડૂતો પોતાના ખેતરમાંથી અલગ અલગ પાકનું ઉત્પાદન મેળવી સારી આવક પણ મેળવી શકે તેમ છે.
રાજ્યમાં આગામી વર્ષોમાં 20 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સરકારના માર્ગદર્શન હેઠળ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ આ દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, વાસ્પા અને મિશ્ર પાક પદ્ધતિ અપનાવીને એક સ્વસ્થ સમાજની સાથે વધુ આવક મેળવતા થયા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર