- તળાજા તાલુકાના પીપરલા ગામના ખેડૂતને ફાયદો
- દસ વર્ષથી તરબૂચની ખેતી છતાં માવઠા, વાવાઝોડાની અસર નહિવત
- બીબાઢાળ ખેતીથી અમુક ખેડૂતો બહાર નીકળી રહ્યા છે
તળાજા ખેતી પ્રધાન દેશ છે. બીબાઢાળ ખેતીથી અમુક ખેડૂતો બહાર નીકળીને લાખો રૂપિયા કમાઇ રહ્યા છે. બારમાસી મસાલા ઉપરાંત અહીં બાગાયતી પાકો પણ લેવાઇ રહ્યા છે. જેમાં હવે તરબૂચની ખેતી પણ સફળતાપૂર્વક કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તળાજા તાલુકાના પીપરલા ગામના ખેડૂતની મહેનત રંગ લાવી છે. તેઓએ તરબૂચની 7 વીઘામાં ખેતી કરીને 70 દિવસમાં રૂ.3.50 લાખની આવક મેળવી છે. તેઓ દસ વર્ષથી તરબૂચની ખેતી કરે છે. છતા માવઠા, વાવાઝોડાની અસર નહિવત રહે છે.
પીપરલા ગામના ખેડૂત વિક્રમભાઇ એમ દેસાઇ પર પ્રાંતમાંથી તરબૂચની ખેતી શીખી આવ્યા બાદ દસેક વર્ષથી તરબૂચની ખેતી કરી રહ્યા છે. તેમણે સાત વીઘામાં તરબૂચનું વાવેતર કરેલ છે. તેઓના કહેવા મુજબ 70 થી 80 દિવસનો પાક છે. ટૂંકા દિવસનો પાક હોવા છતાંય રોકડ વળતર સારું મળે છે.
એક વીઘા દીઠ સરેરાશ 600 મણનો ઉતારો આવે છે. હાલ જે વાવેતર છે તેમાં પાંચસો મણ જેટલો છે. વાડીએથી જ હાલ મણના 200 રૂપિયા ઉપજે છે. માલ ઓછો હોય તો ત્રણસો રૂપિયા પણ ઉપજે છે. આમ એક વીઘાદીઠ એંશી હજારથી વધુની આવક થાય છે. તેની સામે પંદરેક હજારની મજૂરી, ખાતર, બિયારણ અને પ્લાસ્ટિકનો ખર્ચ થાય છે. સાત વીઘામાંથી તરબૂચની આવક 70 થી 80 દિવસમાં સાડા ત્રણેક લાખની રોકડ આવક થશે.