– રાજા શોપિંગ સેન્ટરની બેકરીમાં આગ
– શનિવારે બે વાગે લાગેલી આગ પરોઢિયે બુજાવાઈ નડિયાદ અને બારેજાથી ટીમો દોડાવવી પડી
ખેડા : ખેડા પાલિકાના રાજા શોપિંગ સેન્ટરમાં બેકરીની દુકાનમાં શનિવારે મોડી રાતે આગ ભભૂકી હતી. ખેડા પાલિકાનું ફાયર ફાઈટર રિપેરિંગમાં હોવાથી નડિયાદ અને બારેજા પાલિકામાંથી ફાયર ફાઈટરો બોલાવાયા હતા. પરોઢિયે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
ખેડા પાલિકાના રાજા શોપિંગ સેન્ટરમાં શનિવારે મોડી રાતે અંદાજે બે વાગ્યા પછી આગ ભભૂકી ઉઠી હતી. બેકરીની દુકાન અને આજુબાજુની દુકાનોમાંથી ધૂમાડો નીકળવાની જાણ થતા દુકાનદારો- વેપારીઓ દોડી આવ્યા હતા. બંકરીની અંદર આગ દેખાતા પાલિકાના ફાયર ફાઈટર માટે સંપર્ક કરાયો હતો. ત્યાંથી ફાયર ફાઈટર રિપેરિંગમાં હોવાનો જવાબ મળ્યો હતો. બાદમાં નડિયાદ અને બારેજા પાલિકામાંથી ફાયર ફાઈટર બોલાવવા પડયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટયા હતા. આગે વિકરાળ સ્વરૂપ લેતા સ્થાનિકો દ્વારા અગ્નિશામલ સિલિન્ડરથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરાયો હતો. પ્રથમ નડિયાદથી આવેલા ફાયર ફાઈટરે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. બેકરીની નજીકની દુકાનોનો માલસામ ખસેડાયો હતો. પરોઢિયે આગ બુજાતા બેકરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો.