- રામનવમીના પર્વે ગુજરાતમાં કોમી છમકલા
- ખંભાત હિંસામાં 1નું મોત, 9ની ધરપકડ
- રાજકોટ પોલીસની લોકોને અપીલ
ગઈકાલે રામનવમીના પાવન પર્વે ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ખંભાત, હિંમતનગર અને દ્વારકામાં કોમી છમકલા થયા હતા. રામનવમીના પર્વે રામલલ્લાની શોભાયાત્રા પર અસામાજિક તત્ત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની વિવિધ ઘટનાઓ બાદ સમગ્ર રાજ્યભરની પોલીસ એલર્ટ થઈ ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ખંભાતના શક્કરપુરા વિસ્તારમાં ગઈકાલે હિંસા ફાટી નીકળી હતી. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના પગલે સમગ્ર શહેરમાં અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે. પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. આ મામલે પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 70 જેટલા લોકો પોલીસની રડારમાં છે.
બીજી તરફ ખંભાત જેવી ઘટના રાજ્યના અન્ય કોઈ જિલ્લામાં ના પડે તે માટે પોલીસ પર એલર્ટ થઈ ગઈ છે. પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
રાજકોટ પોલીસ દ્વારા લોકોને સોશિયલ મીડિયામાં વૈમનસ્ય ઉભુ થાય તેવી કોઈ પણ ટિપ્પણી ના કરવાની અપીલ કરવામાં આવી છે. આમ છતાં જો કોઈ ખોટી ટિપ્પણી કરતાં પકડાશે, તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું છે.
ખંભાતમાં 144ની કલમ લાગુ કરાઈ નથી: રેન્જ IG
રામનવમીના પર્વે ખંભાતમાં થયેલી હિંસા મુદ્દે અમદાવાદ રેન્જ આઈજી વી ચંન્દ્રશેખરે જણાવ્યું કે, હાલ અહીં સ્થિતિ કાબુમાં છે. ખંભાતમાં 144ની કલમ નથી લગાવાઈ. ખંભાતમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 4 એસઆરપીની કંપનીઓ પણ તૈનાત કરાઈ છે. આ મામલે અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હત્યાના આરોપમાં 40થી વધુ લોકોની તપાસ કરવામાં આવશે.