IND Vs ENG : ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ભારત સામે યોજાનારી T20I મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ મેચ 20 જાન્યુઆરીએ યોજાશે. કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે ભારત સામે શરૂ થનારી પહેલી T20 મેચ માટે લેન્કેશાયરનો ફિલ સોલ્ટ વિકેટકીપિંગ કરતો જોવા મળશે. જે નોટિંગહામશાયરના બેન ડકેટ સાથે બેટિંગની શરૂઆત કરશે. જ્યારે કેપ્ટન જોસ બટલર ત્રીજા નંબર પર બેટિંગ કરવા માટે આવશે.
ઇંગ્લેન્ડનો આ બોલર ભારત માટે ઘાતક સાબિત થઇ શકે
આ ઉપરાંત ઝડપી બોલર જોફ્રા આર્ચર અને માર્ક વુડને પણ પ્લેઇંગ 11માં સ્થાન મળ્યું છે. છેલ્લે ભારતની ધરતી પર જોફ્રા આર્ચરે 20 માર્ચ 2021ના રોજ ઇંગ્લેન્ડની ટીમની કેપ્ટનશીપ કરી હતી. તે ભારતની પીચ પર 4 વર્ષ પછી બેટિંગ કરવા ઉતરશે. પોતાની ઘાતક ઝડપી બોલિંગને લીધે જાણીતો આર્ચર ભારતીય બેટરો માટે મુશ્કેલી બની શકે છે.
શમીનો ભારતીય ટીમમાં સમાવેશ
ભારત માટે આ સીરિઝ માટે સૂર્યાકુમાર યાદવ કેપ્ટનશીપ કરશે. જયારે અક્ષર પટેલને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિવાય ઘણાં સમયથી ઈજાગ્રસ્ત મોહમ્મદ શમીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શમી ભારતીય ટીમથી વર્લ્ડકપ 2023 થી દૂર ચાલી રહ્યો છે. લગભગ 14 મહિના પછી શમીએ ભારતીય ટીમમાં વાપસી કરી છે. ઘૂંટણમાં થયેલી ઈજાને કારણે શમી ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ રમી શક્યો ન હતો.
આ પણ વાંચો : વર્લ્ડકપ ડેબ્યૂ મેચમાં જ 19 વર્ષની ખેલાડીએ લીધી હેટ્રિક, વિરોધી ટીમ 31 રનમાં ઑલઆઉટ
આ ઓલરાઉન્ડર ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ
પસંદગીકારો એ આ સીરિઝ માટે સંજુ સેમસનને ટીમની વિકેટકીપિંગ માટે પસંદ કર્યો છે. જયારે બીજા વિકલ્પ તરીકે ધ્રુવ જુરેલની પસંદગી કરવામાં આવી છે. જુરેલને જીતેશ શર્માની જગ્યાએ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે દક્ષિણ આફ્રિકા સામેની ટીમનો ભાગ હતો. જયારે ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને પણ રમનદીપ સિંહની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય ઓલરાઉન્ડર શિવમ દુબે પણ T20 ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો. રિયાન પરાગ ઈજાને કારણે ટીમનો ભાગ બની શક્યો ન હતો.
પહેલી T20 મેચ માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન : બેન ડકેટ, ફિલ સોલ્ટ (વિકેટકીપર), જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, જેમી ઓવરટન, ગુસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ.
ઇંગ્લેન્ડ સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર).