- એક અઠવાડિયામાં સતત બીજીવાર ડમ્પીંગ સાઈટ પર આગ લાગતાં મામલો ગંભીર બન્યો
- શહેરમાંથી પકડાયેલા 900 પશુઓને પૂર્યા છે
- ફાયરબ્રિગેડ દ્વારા 14 હજાર લિટર પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી
સેક્ટર-30 ખાતેની ગાંધીનગર કોર્પોરેશનની ડમ્પીંગ સાઈટમાં એક સપ્તાહમાં સતત બીજીવાર આગ લાગવાની ઘટના બની છે. આ આગ અકસ્માતે લાગે છે કે પછી તેની પાછળ કોઈને હાથ છે તેને લઈને વહીવટી તંત્ર માથું ખંજવાળી રહ્યું છે. જોકે હવે આ મુદ્દે ઉંડી તપાસ કરવામાં આવશે. સ્થાયી સમિતી ચેરમેને પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. બાજુમાં જ કોર્પોરેશનનો ઢોર ડબ્બો આવેલો છે. જોકે ત્યાં હાજર પશુઓને કંઈ થયું નથી.
આજે વહેલી સવારે વધુ એકવાર ડમ્પીંગ સાઈટ સળગી ઉઠી હતી. અહીં કચરામાં આગ ખૂબ જ ઝડપથી પ્રસરવા લાગતાં જ્વાળાઓ લપકારા લેવા લાગી હતી. આગમાં ખૂબ મોટો વિસ્તાર લપેટાઈ ગયો હતો. ડમ્પીંગ સાઈટ પર વારંવાર આગ લાગવી એ કોઈ મામૂલી ઘટના નથી. કારણકે ડમ્પીંગ સાઈટની બાજુમાં જ ઢોર ડબ્બો કોર્પોરેશનનો આવેલો છે. જ્યાં હાલના તબક્કે શહેરમાંથી પકડાયેલા 900થી વધુ રખડતાં ઢોરોને રાખવામાં આવ્યા છે. જેને લઈ ડમ્પીંગ સાઈટ સળવગી એ સંવેદનશીલ બાબત છે.
સદ્નસીબે બંને વખત આગને ફાયરબ્રિગેડ દ્વારા ઝડપથી કાબુમાં લઈ લેવામાં આવે છે. આજે પણ ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને અંદાજે 14 હજાર લિટર પાણીનો છંટકાવ કરીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. પહેલા લાગેલી આગને તંત્રએ કદાચ હળવાશથી લીધું હતું. પરંતુ આજે ફરી બીજીવાર વહેલી સવારે ડમ્પીંગ સાઈટ સળગી ઉઠતા મામલો ગંભીર બની ગયો છે.
ડમ્પીંગ સાઈટ પર કચરો વીણનારો વર્ગ આવતો હોય છે. લોખંડનો ભંગાર મેળવવા માટે પણ કચરો સળગાવતા હોય તેવું પણ એક અનુમાન છે. કારણકે આગ વહેલી સવારે જ લાગે છે. એટલેકે ચોક્કસપણે કોઈ આ કચરો સળગાવે છે. પણ ક્યારેક આ અટકચાળો મોટી દુર્ઘટના સર્જી શકે છે.
ડમ્પીંગ સાઈટનો મોટો વિસ્તાર આગની ઝપેટમાં આવી ગયો હતો : દર વખતે વહેલી સવારે જ આગ કોણ લગાડે છે, ઉઠયા સવાલ
ઢોર ડબ્બાની જેમ ડમ્પીંગ સાઈટ પર પણ સીસીટીવી લગાવવાની જરૂર
ભૂતકાળમાં ઢોર ડબ્બાના ઝાંપાનુ તાળું તોડીને ઢોરોને છોડાવી ગયાની ઘટના બની હતી. આ ઘટના બાદ ઢોર ડબ્બા ખાતે કોર્પોરેશન દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. હવે તંત્રએ ડમ્પીંગ સાઈટ પર પણ સીસીટીવી લગાવવા પડે તેવી સ્થિતી ઉભી થઈ છે.