- અજાબ અને કણેરી ગામ વચ્ચેના માર્ગમાં સર્જાઈ દુર્ઘટના
- બનેવીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું
- ઈજાગ્રસ્ત સાળાનું પણ હોસ્પીટલના બિછાને મૃત્યુ થયું
કેશોદના અજાબ રોડ પર બાઈક સવાર સાળા બનેવી પર વૃક્ષ પડતાં બંને યુવકોનું મૃત્યુ નીપજ્યું હતું. ભારે વરસાદને પગલે રસ્તાના કિનારે રહેલું વૃક્ષ રસ્તા ઉપરથી બાઈક લઈને પસાર થઇ રહેલા બે યુવક ઉપર પડ્યું હતું. જેમાં બંને યુવકોનું મૃત્યુ થયું હતું.
સાળો-બનેવી શાકભાજીની હરાજી કરી પરત ફરી રહ્યા હતા
મળતી માહિતી પ્રમાણે કેશોદના અજાબ રોડ ઉપર સાળો-બનેવી શાકભાજીની હરાજી કરી પોતાની બાઈક ઉપર સવાર થઈને કેશોદ તરફ આવી રહ્યા હતા ત્યારે અજાબ અને કણેરી ગામ વચ્ચે રસ્તાની કિનારે ઉભેલું વૃક્ષ અચાનક ધરાશાયી થતા આ વૃક્ષની નીચે સાળો-બનેવી દબાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં બનેવીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
પરિવારમાં શોકનો માહોલ છવાયો
અત્રે ઉલ્લેખનીય છે કે સાળા-બનેવી પૈકી બનેવીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત સાળાને સ્થાનિકો દ્વારા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પીટલમાં ડોકટરે સાળા બનેવી બંનેનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં મૃતકના પરીવારજનો હોસ્પિટલ પહોંચ્યાં હતા.