- ઓડીટ આવતા સોનાના દાગીના 13 પેકેટ ગુમ
- 9 વ્યક્તિઓને લોન આપી હોવાની કબુલાત
- મનાલી કોડીયાતર સામે પોલીસમાં ગુન્હો દાખલ કર્યો
કેશોદમાં આવેલ મુત્તુટ ફીનકોર્પ એક્સપ્રેસ ગોલ્ડ લોન કંપનીની એક મહિલા કર્મચારી દ્વારા ગ્રાહકોએ મુકેલા સોનાના દાગીના સ્ટ્રોંગરૂમમાંથી કાઢી લઈને તે જ દાગીના પર અલગ અલગ 9 વ્યક્તિઓને લોન આપીને 47 લાખનું લોન કૌભાંડ આચર્યું હોવાનો મામલો પોલીસ દફતરે નોધાયો છે.
કેશોદમાં મુત્તુટ ફીનકોર્પ કંપનીમાં કૌભાંડ
કેશોદમાં એસટી બસ સ્ટેન્ડ રોડ ઉપર બાલા બજરંગ કોમ્પ્લેક્ષમાં આવેલી મુત્તુટ ફીનકોર્પ કંપનીમાં બ્રાંચ જોઈન્ટ ક્સ્ટોડીયન તરીકે ફરજ બજાવતી મનાલી પુજાભાઈ કોડીયાતર સામે કંપનીના રિજયોનલ મેનેજર હિરેન દિલીપકુમાર મહેતાએ આજે પોલીસમાં ફરિયાદ નોધાવી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે, મનાલીબેન છેલ્લા એક વર્ષ અને ચારેક માસથી અહી ફરજ બજાવે છે, જેથી તેમની પાસે કંપનીની તમામ માહિતી અને સ્ટ્રોંગરૂમની ચાવી હોય તેનો ફાયદો ઉઠાવીને કંપનીને 47 લાખનું નુકશાન કર્યું છે.
ઓડીટમાં કૌભાંડ સામે આવ્યું
ગત તા.6 જુલાઈના રોજ અમદાવાદથી સિનીયર ઇન્ટનલ ઓડીટર દીપક ગૌસ્વામી ઓડીટ માટે આવ્યા હતા, તેઓએ ફોન કરીને જણાવ્યું કે, કેશોદ બ્રાંચના સ્ટ્રોંગરૂમમાં અલગ અલગ 13 ગ્રાહકોએ મુકેલા પોતાના સોનાના દાગીના 13 પેકેટ ગાયબ છે, બાદમાં બીજા દિવસે હિરેનભાઈએ આવીને બ્રાંચમાં તમામ કર્મચારીઓની પૂછતાછ કરતા જેમાં મનાલીએ કોઈની પૂર્વ મંજુરી વગર આ ૧૩ પેકેટ કાઢી લઈને તેમના પર અલગ અલગ 9 વ્યક્તિઓને લોન આપી દીધી હોવાની કબુલાત આપી હતી.
47 લાખનું લોન કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું
જેમાં મુત્તુટ ફીનકોર્પ કંપનીમાંથી બાલસ પ્રતિક મનસુખ, જયમિતસિંહ રાયજાદા, ભૂતિયા જતીન કેતનભાઈ, ભીંડી અમિતકુમાર, રાજકુમાર ચીમન ભીંડી, કરગીયા ભાવેશ જગમાલ, બારિયા ઉમેશ રામ, કરણગીરી ધર્મેશગીરીને 42 લાખની અને સમીર મનસુખ હરિયાણીને આઈઆઈએફએલ કંપનીમાંથી પાંચ લાખની લોન અપાવી દઈને કુલ 47 લાખનું લોન કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ આ અંગે પોલીસમાં મનાલી કોડીયાતર સામે પોલીસમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.