- ગેરકાયદે સસ્તા અનાજ હેરફેર મુદ્દે 2 ઈસમો સામે ફરિયાદ હતી
- ફરીયાદ નોંધાયા બાદ નકલી PSI એ પડાવ્યા નાણાં
- તપાસ રિપોર્ટમાં ઢીલ વર્તવા મુદ્દે સેટિંગ કરવા કર્યો હતો ફોન
કેશોદમાં નકલી PSI એ સાચા આરોપીઓ પાસેથી નાણાં પડાવવાની ઘટના સામે આવી છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર સસ્તા અનાજ હેરફેર મુદ્દે 2 શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી. જેની સાથે નકલી PSI એ નિર્દોષ છોડવાની લાલચ કે તપાસમાં ઢીલ રાખવાની લાલચ આપીને તોડ કર્યો હતો અને આરોપીઓ પાસેથી પૈસા પડાવ્યા હતા.
બે ઇસમો વિરુદ્ધ સસ્તા અનાજની હેરફેર બાબતે ફરિયાદ દાખલ થઇ હતી
મળતી માહિતી મુજબ કેશોદમાં બે ઇસમો વિરુદ્ધ સસ્તા અનાજની ગેરકાનૂની હેરફેર બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાયા બાદ નકલી PSI એ આરોપીઓ પાસે નાણાં પડાવવા કારસો ઘડ્યો હતો અને એક ઇસમે નકલી PSI બની આરોપીઓને તપાસ રિપોર્ટમાં ઢીલ વર્તવા મુદ્દે સેટિંગ કરવા ફોન કર્યો હતો.
નકલી PSI નો ઓડિયો વાયરલ થયો
આરોપીઓએ ગુનાની સજાથી બચવા માટે નકલી PSI ને રૂપિયા આપ્યા હતા. જે બાદ નકલી PSI નો આરોપીઓ સાથે તોડ કરતી વખતે ફોન ઉપર થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થતા અસલી મહિલા PSI સોનારાએ નકલી PSI વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી હતી. પોલીસે આ સમગ્ર ઘટના અંગે વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી.