- યુવતીના ફોટાનો ઉપયોગ કરીને બિભત્સ લખાણ લખેલું
- ભરૂચ, નર્મદા જિલ્લાના શખ્સોની સાયબર પોલીસે કરી ધરપકડ
- બિભત્સ કોમેન્ટ કરીને ફેસબુક પર વાયરલ કરીને ધમકી આપી
કેશોદની એક યુવતીના ફોટાનો ઉપયોગ કરીને તેનો વિડીયો બનાવીને તેમાં બિભત્સ કોમેન્ટ કરીને ફેસબુક પર વાયરલ કરીને ધમકી આપનાર ત્રણ શખ્સોને જૂનાગઢ રેંજ સાયબર સેલ પોલીસે શોધીને ધરપકડ કરી છે.
કેશોદમાં રહેતી 30 વર્ષીય યુવતી પોતાના ઘરે હતી ત્યારે તેના વોટ્સઅપમાં કોઈએ ફેસબુકની એક લીંક મોકલી હતી, જે તેણીએ ખોલીને જોતા તેમાં તેણીના ફોટાવાળો વિડીયો બનાવીને કોઈએ તેમાં બિભત્સ કોમેન્ટ કરીને ધમકીભર્યા શબ્દો વાપરીને તેને અલગ અલગ ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરીને વાયરલ કર્યા હતા. જે મામલે યુવતીએ એક વર્ષ પહેલા જૂનાગઢ રેંજ સાયબર સેલ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.
આ કેસમાં અત્રેના પોલીસ સ્ટેશનના PI કે.કે.ઝાલા, PI આર.વી.વાજા સહિતના સ્ટાફે સાયબર ક્રાઈમ હેઠળ તપાસ કરીને આ યુવતીનો વિડીયો ફેસબુક પર મુકીને બદનામ કરનાર ત્રણેય ઈસમોને ઓળખી લીધા હતા. જે રઘુવીરસિંહ ધરમસિંહ પાડવી ઉ.48 (રહે. સાગબારા, જી.નર્મદા), સાગર વિજયકુમાર વસાવા ઉ.31 (અયોધ્યાનગરી, જાડેશ્વર રોડ, ભરૂચ) અને નીતિનકુમાર અમરસિંહ પાડવી ઉ.34 (રહે. સાગબારા, જી.નર્મદા) નામના શખ્સોને ઝડપી લઈને ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.