- છરી બતાવી ધમકીઓ આપતા પોલીસને જાણ કરવામાં આવી
- દારૂના નશામાં ચુર બનીને તાલુકા પંચાયત સામે કર્યો ખેલ
- રીઢા ગુન્હેગાર સામે ફરજ રુકાવટ, પીધેલાના બે ગુન્હાઓ દાખલ
કેશોદમાં આજે તાલુકા પંચાયત સામે જ એક લુખ્ખાએ નશામાં ચુર બનીને એક એસટી બસને અટકાવી છરી બતાવી ડ્રાઈવરને નીચે ઉતરવા ધમકી આપતા ટ્રાફિકજામ થઈ ગયેલ હતો, આ સમયે પોલીસે સ્થળ પર આવીને આ શખ્સને ઝડપી લઈને ફરજ રુકાવટ અને પીધેલાનો બે કેસ દાખલ કર્યા છે.
કેશોદ એસટી ડેપોમાં ફરજ બજાવતા સુરેશભાઈ જોધાભાઈ ગળચર ઉ.43 આજે ડેપોમાંથી કેશોદ-ફાગડી રૂટની એસટી બસ લઈને નીકળ્યા હતા, ત્યારે એસટી બસ તાલુકા પંચાયત કચેરી સામે પહોંચી ત્યારે પાછળથી ઇકો સ્પોર્ટ્સ કાર નંબર GJ. 03. FD. 8166ના ચાલકે જોર જોરથી હોર્ન મારતો હોય જેથી સુરેશભાઈએ સાઈડ આપી દેતા તે શખસે કાર આગળ લઈને એસટી બસની આડી ઉભી રાખી દીધી હતી, અને કારમાંથી છરી લઈને ઉતરી એસટી બસના ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલવા છરી બતાવી ધમકીઓ આપતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે સ્થળ પર આવીને છરી સાથે ખેલ કરતા કેશોદના પ્રકાશ ઉર્ફે પકો કારા હડિયા ઉ.40 (રહે.સુમન સોસાયટી) ને છરી સાથે ઝડપી લીધો હતો, તે સમયે તે દારુના નશામાં હોવાથી પોલીસે તેની સામે પીધેલાનો અને એસટીના ડ્રાઈવર સુરેશભાઈએ ફરજ રુકાવટની ફરિયાદ નોધાવી હતી. આ શખ્સ અગાઉ પોલીસ દફતરે નોધાયેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.