• ભણશે ગુજરાતના સરકારી વાયદા વચ્ચે શિક્ષકોની ઘટનો પ્રશ્ન જટિલ બન્યો
• પ્રાથમિક શાળામાં ધો. 1થી પનાં 46 બાળકો વચ્ચે માત્ર એક શિક્ષક જોવા મળ્યા
• શિક્ષક દ્વારા અપાતા શિક્ષણથી પીડાઈ રહ્યા હોવાનું જાણવા મળે
ભણશે ગુજરાત અને શાળા પ્રવેશોત્સવના હુલામણા કાર્યક્રમો સાથે ગ્રામીણ સ્તરે રહેતા છેવાડાનાં બાળકોના શિક્ષણ માટે વાહવાહ પોકારતા શિક્ષણમંત્રી સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓની અનદેખી અને અણઆવડતના કારણે સર્વાંગી શિક્ષણ વ્યવસ્થાની વિપરીત પરિસ્થિતિ જોવા મળતી હોય છે. તેમ સુરત જિલ્લા પંચાયત હસ્તકની બારડોલી તાલુકાની વિવિધ ત્રણ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માત્ર એક શિક્ષક દ્વારા અપાતા શિક્ષણથી પીડાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.
સુરત જિલ્લા પંચાયત હસ્તકના શિક્ષણ વિભાગ સંચાલિત વિવિધ પ્રાથમિક શાળાઓમાં ધો. 1થી 5ના વિદ્યાર્થીઓની શિક્ષણ વ્યવસ્થા થઈ છે. બારડોલી તાલુકાના મઢી નજીક આવેલા બાલ્દા ગામે ટંકારી ફળિયામાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિવિધ ધોરણનાં 21 બાળકો વચ્ચે માત્ર એક શિક્ષક તમામ વિષયોનું શિક્ષણ આપી રહ્યા છે. આ જ પ્રકારે સુરત જિલ્લા સમાવિષ્ટ બારડોલી તાલુકાના કુવાડિયા (વાઘેચ) ગામે પ્રાથમિક વિભાગનાં 10 બાળકો તથા બારડોલી તાલુકાના રાયમ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ધો. 1થી 5નાં 46 બાળકો વચ્ચે માત્ર એક શિક્ષક જોવા મળ્યા છે.
ભણશે ગુજરાત સહિત વિવિધ શૈક્ષણિક તાયફાઓના સરકારના વાયદાઓ વચ્ચે શિક્ષકોની ઘટનો જટિલ પ્રશ્ન બની રહેવા પામ્યો છે. તેવા સમયે વધઘટ મેળામાં વધારાના શિક્ષકોની નિમણૂક કરાશે મુજબ જાણવા મળ્યું છે. જોકે વર્તમાન પરિસ્થિતિમાં બાળકોને એક શિક્ષકથી જ સંતોષ માનવો પડી રહ્યો છે.