આણંદ: રક્ષાબંધનની જેમ ભાઈ બીજનો તહેવાર પણ ભાઈ-બહેનના સુંદર સંબંધ, પ્રેમ અને સ્નેહનું પ્રતીક છે. દિવાળી પછી ભાઈ દૂજનો તહેવાર ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, કારતક મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખે ભાઈદૂજ એટલે કે,ભાઈબીજ ઉજવવામાં આવે છે. ભાઈ દૂજ દેશના અલગ-અલગ ભાગોમાં અલગ-અલગ નામે ઓળખાય છે. ભાઈ દૂજને ભાઈ બીજ, ભાઈ ટીકા, યમ દ્વિતિયા, ભાત્રી દ્વિતિયા પણ કહેવામાં આવે છે.
ભાઈ બીજ ભાઈ અને બહેનના સંબંધની મહેક ફેલાવતો તહેવાર છે. આ તહેવાર ભાઈ બહેનના અતૂટ બંધન વિશે મહત્વ જણાવે છે. બહેન ભાઈની સલામતી અને લાંબા આયુષ્ય માટે વર્ષોથી આ તહેવાર મનાવતી આવે છે. આ તહેવાર નિમિત્તે ભાઈ બહેનની ઘરે ભોજન માટે જતો હોય છે. આ દિવસે બહેન ભાઈની દરેક મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરતી હોય છે. જો કે, ઘણી બહેનો આ દિવસના મહત્વ વિશે જાણતી ન હોવાથી આજે આપણે ભાઈ બીજના દિવસના મહત્વ વિશે જાણીશું.
ઈતિહાસમાં યમરાજ સાથે શું છે નાતો?
આ અંગે ડો. હેતલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, પૌરાણિક કથા અનુસાર યમરાજની બહેન યમુનાજી તેમને ઘણા સમયથી પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ આપતા હતા. પરંતુ, યમરાજને પોતાના કાર્યમાંથી સમય ન હોવાથી તે બહેનને ત્યાં ભોજન માટે જઈ શકતા હતા. માનવામાં આવે છે કે, ભાઈ બીજના દિવસે યમરાજ પોતાની બહેન યમુનાની ઘરે ભોજન લેવા માટે ગયા હતા. યમુનાજીએ તેમના મનપસંદ ભોજન બનાવીને ખૂબ જ સારી રીતના આગતા સ્વાગત કરી હતી. આથી તે દિવસે યમરાજે પોતાની બહેનને ભેટ તરીકે વરદાન આપ્યા હતા. જેમાં આ દિવસે દરેક ભાઈ પોતાની બહેનની ઘરે જમવા જશે અને ભાઈના જીવનમાં આવેલ દરેક તકલીફ દૂર થશે. આથી જ આ દિવસે દરેક ભાઈ પોતાની બહેનની ઘરે જમવા માટે જતો હોય છે. આ દિવસે બહેન પોતાના ભાઈને ખૂબ જ માન અને સન્માનથી પ્રેમપૂર્વક ભોજન બનાવીને જમાડતી હોય છે.
આ રીતે કરો યમનો દીવો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભાઈબીજના દિવસે સૌપ્રથમ ભાઈ આવે તે સમયે તેની આરતી ઉતારીને તિલક કરવામાં આવતું હોય છે. બાદમાં ભાઈના હાથમાં દુર્વા આપવામાં આવે છે. જે ગણપતિ ભગવાનને ચઢાવવામાં આવે છે. ભાઈના હાથમાં દુર્વા આપવાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરીને બહેન ભાઈને આ જીવનમાં આવેલ દરેક દુઃખ દર્દને દૂર કરે છે. આ ઉપરાંત આ દિવસે ઘરની બહાર યમનો દીવો પણ કરવામાં આવે છે. જેમાં એક વાસણમાં પાણી ભરીને લીલા કલરના બે કોડિયા લઈને એક ઊંધો અને એની ઉપર બીજો સીધો મૂકીને દીવો કરવામાં આવે છે. આ દીવો ઘરના ઉંબરાની બહાર કરવામાં આવે છે. આ દીવો કરવાથી ભાઈના જીવનમાં કોઈપણ પ્રકારની તકલીફ આવતી નથી અને તેનું અપમૃત્યુ થતું નથી. આ તહેવાર ભાઈ બહેનના પવિત્ર બંધનનું ખૂબ જ સુંદર રીતના સમજાવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર